Get The App

જામનગર નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો : પૈસાની ઉઘરાણી મામલે મારપીટ અને જાતિ આધારિત અપમાન, ચાર સામે ગુન્હો નોંધાયો

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર નજીક મોટી ખાવડીમાં દલિત યુવાન પર હુમલો : પૈસાની ઉઘરાણી મામલે મારપીટ અને જાતિ આધારિત અપમાન, ચાર સામે ગુન્હો નોંધાયો 1 - image

Jamnagar Crime : જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં દલિત યુવાન પર હુમલાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પૈસાની ઉઘરાણીના મામલે ચાર શખ્સોએ યુવાનને માર મારી જાતિ આધારિત અપમાન કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મેઘપર (પડાણા) પોલોસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 115(2), 296(બી), 352, 351(3), 54 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(આર), 3(1)(એસ) અને 3(2)(5-એ) હેઠળ ગુન્હો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ તા.27/04/2026 ના રોજ સવારે આશરે 10:45 વાગ્યે મોટી ખાવડી ગામના વાકોલ કૃપા કોમ્પ્લેક્ષ ખાતે દુકાન તેમજ જાહેર રોડ પર આ બનાવ બન્યો હતો. ફરિયાદી અશોકભાઈ ઉર્ફે સાગર ચતુરભાઈ આયર (ઉંમર 30 વર્ષ, રહે-સિક્કા દિગ્વિજયગ્રામ, જામનગર) પાસે આરોપી દ્વારા અગાઉ લીધેલા રૂપિયા 10,000 અંગે ઉઘરાણીના મુદ્દે વિવાદ સર્જાયો હતો.

ફરિયાદ મુજબ, ફરિયાદીએ રકમ પરત આપ્યાની વાત જણાવી હોવા છતાં આરોપી જયવંતસિંહ અજીતસિંહ ચુડાસમા સહિત અન્ય ત્રણ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ ફરિયાદીને મારપીટ કરી, જાહેરમાં ઢીકાપાટુનો માર માર્યો હતો, અને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ બનાવમાં ફરિયાદીને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હોવાનું નોંધાયું છે. ઘટનાને લઈ પોલીસ દ્વારા ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ ગંભીર નોંધ લઈ જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.