Get The App

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી : આરોપી સામે ગુનો નોંધાયો

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી : આરોપી સામે ગુનો નોંધાયો 1 - image

Jamnagar Fraud Case : જામનગર શહેરમાં વિદેશ મોકલવાની લાલચ આપી નાગરિકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ખંભાળિયાના બે યુવાનોના સવા લાખ રૂપિયા પડાવી લીધાનું જાહેર થયું છે, જયારે અન્ય ઘણા યુવાનો પણ ફસાયા છે. જે મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી રાજેન્દ્ર મુળુભાઈ રાજગોર (રહે. મયુર સોસાયટી, એરપોર્ટ પાસે, જામનગર) એ પોતે નાગરિકોને વિદેશ મોકલી આપવા માટેનો એજન્ટ છે, તેવી ઓળખાણ આપી હતી અને ખંભાળિયાના રહેવાસી ગજેન્દ્ર ખીમનાથ નામના 35 વર્ષના બાવાજી યુવાનને કામ માટે ઇઝરાયેલ મોકલવા માટેનો જાસો આપીને તેની પાસેથી 95 હજાર રૂપિયા પડાવી લીધા હતા. 

જોકે આ રકમ ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે આપવામાં આવી હતી. ત્યારબાદ તેના મિત્ર ખંભાળિયાના પ્રવીણભાઈ મકવાણા નામના અન્ય એક યુવાને પણ વિદેશ જવા માટે 29,500 ની રકમ આપી હતી. જે બંનેની કુલ 1,24,500 ની રકમ મેળવી લીધા બાદ જામનગરનો એજન્ટ રાજેન્દ્ર રાજગોર, કે જે પોતાના મોબાઈલ ફોન બંધ કરીને રફુચક્કર થઈ ગયો હતો. 

ગત જાન્યુઆરી માસમાં બંને યુવાનોએ આ રકમ આપી હતી, ત્યારબાદ તેનો સંપર્ક નહીં થતાં આખરે બંને યુવાનોએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં અરજી કરી હતી, પરંતુ અરજી માટે ન્યાય મળ્યો ન હોવાથી આખરે આ મામલાને રાજકોટના આઇજીપી સમક્ષ લઈ જવામાં આવ્યો હતો, અને ત્યાં પોતાની ફરિયાદ અંગે રજુઆત કરતાં તાત્કાલિક અસરથી આ મામલે ગુનો નોંધવાના આદેશો થયા હતા, અને ગઈકાલે ગજેન્દ્ર ખીમનાથ બાવાજીની ફરિયાદના આધારે રાજેન્દ્ર રાજગોર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ દ્વારા શોધખોળ ચલાવાઇ રહી છે.

 આરોપી છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ પ્રવૃતિ ચલાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ફરીયાદી ગજેન્દ્રના જણાવ્યા અનુસાર પોતાના જ અન્ય પોરબંદરના પાંચ મિત્રોએ પણ વિદેશ જવા માટે મોટી રકમ આપી હોવાનું અને તે પૈસા લઈને પણ આરોપી ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળી રહયું છે. તેથી તે પોલીસના હાથમાં આવી જાય ત્યારબાદ સાચી હકીકત જાણવા મળશે. હાલ સીટી સી. ડિવિઝન પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ ચલાવી રહી છે.