મોઢે રૂમાલ બાંધીને આવેલા બે અજાણ્યા શખ્સો સામે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
પરિવાર સાથે ડિનર કરીને યુવક પોતાની વાગ્દત્તાને ઘરે મુકવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બનાવ બન્યો, મોબાઈલ રોકડ સહિતની લૂંટ
ભાવનગર: શહેરમાં કાયદો અને વ્યવસ્થાને અસામાજીક તત્વો પડકાર ફેંકતા હોય તેવો કિસ્સો બન્યો છે. કાળીયાબીડ વિસ્તારમાં બોરતળાવના કાચા રસ્તે ગત મોડી રાત્રિના યુગલ સાથે છરીની અણીએ મોબાઈલ, રોકડ સહિતની લૂંટને અંજામ આપી બે બુકાનીધારીઓએ હિંસક હુમલો કર્યો હતો. જેમાં યુવકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકમાં બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં રહેતા દિશાબેન અશોકભાઈ ડાભીની સગાઈ એક વર્ષ પહેલા કાળિયાબીડ વિસ્તારમાં રહેતા મનદીપસિંહ દિલિપસિંહ યાદવ સાથે થઈ હતી. ગતરોજ તેઓ તેમના ફિયાંસ મનદીપ તથા સાસુ-સસરા અને નાનાજી સહિતના પરિવાર સાથે બહાર જમવા ગયા હતા અને બહાર જમીને આવ્યા બાદ તેમના ફિયાંસ મનદીપસિંહ તેમને શિવાજી સર્કલ તેમના ઘરે મુકવા માટે નિકળ્યા હતા અને આ દરમિયાન કાળિયાબીડ સરદાર પટેલ સ્કુલથી આગળ બોરતળાવ તરફ જતાં કાચા રોડ પર બન્ને વાત કરવા માટે ઉભા હતા ત્યારે રાત્રીના ૧૦.૩૦થી ૧૦.૪૫ કલાકના અરસામાં બોરતળાવ તરફથી એક સ્કુટર પર બે શખ્સો મોઢે રૂમાલ બાંધીને આવી તેમને છરી બતાવી 'તમારી પાસે જે રૂપિયા હોય તે આપી અમને આપી દો' એમ કહી મનદીપસિંહના હાથમાંથી ફોન આંચકી લીધો હતો અને આ લોકોને પૈસા આપવા મનદીપસિંહે પાકિટ કાઢતા ઉક્ત લોકોએ મનદીપસિંહ પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી મોબાઈલ, ચાંદીના છડા અને રોકડ રકમ મળી રૂ.૩૦,૫૦૦ના મત્તાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. બનાવ અંગે દિશાબેન અશોકભાઈ ડાભીએ નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વીડિયો ઉતારવાનો પ્રયાસ કરતા યુવતીને ધક્કો મારી પછાડી દીધી
કાળિયાબીડ વિસ્તારમાં મોડી રાત્રિના બે અજાણ્યા શખ્સો દ્વારા લૂંટ અને હુમલા કરતા દિશાબેને વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બે પૈકી એક લૂંટારૂએ તેમને ધક્કો મારી પછાડી દીધા હતા અને લૂંટને અંજામ આપી નાસી છૂટયા હતા.


