Vadodara BJP : "ભાજપમાં જાણે ટિકિટ મળી એટલે આપણે કોર્પોરેટર થઈ ગયા!" એવી ઘણા લોકો અજ્ઞાનતા ધરાવતા હોય છે. ચોક્કસ ભાજપ માટે કોર્પોરેશનની કેટલીક બેઠકો સેફ છે અને કોંગ્રેસ કરતા જીતવાની તક વધુ છે તેને કારણે હાલ ભાજપમાંથી ટિકિટ મેળવવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. ત્યારે ઉમેદવારી કરવા માટે દાવેદાર બનનાર ઘણાએ તો અત્યારથી સોશિયલ મીડિયા પર ભાજપના સમર્થન સાથે પોતાની બુદ્ધિ મત્તાનું પ્રદર્શન કરવાનું પણ શરૂ કરી દીધું છે.
ટિકિટવાંછુકો પૈકી એક બે લોકોએ તો 'અબકી બાર 76 કે પાર' જેવા પોસ્ટરો સોશિયલ મીડિયા પર લગાવી જનતા સમક્ષ તેઓની બુદ્ધિ મત્તાનું પ્રદર્શન કર્યું છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં જન પ્રતિનિધિની 76 બેઠક હોય ત્યારે અબકી બાર 76 કે પાર એવું પોસ્ટર પોસ્ટ કરનાર પોતે કોર્પોરેટર તરીકેના ઉમેદવાર માટે કેટલા સક્ષમ છે? તે વિચારવા જેવી બાબત છે. ત્યારે ભાજપમાં સ્ટાર પ્રચારકોની પણ એક અલગ ચોક્કસ યાદી હોય છે. જે માટે તેઓના પર ચૂંટણી પ્રચારની અત્યંત મહત્વની જવાબદારી હોય છે. તો કેટલાકે તો પોતાને સ્ટાર પ્રચારક છે તેવી પોસ્ટ વહેતી કરી દીધી છે! ટીકીટ આપવામાં જો ભાજપ સોશિયલ મીડિયા પર ફ્રેન્ચના આંકડા તપાસતી હોય તો ઉમેદવારોની યાદી જાહેર કરતા અગાઉ તેઓની પોસ્ટ પણ જોવી જોઈએ તે જરૂરી બન્યું છે. એક તરફ કાર્યકર્તાઓમાં ગણગણાટ છે કે, જેઓ કદાપી ભાજપ કાર્યાલય આવ્યા નથી અને સીધા નિરીક્ષકો પાસે જઈ પોતાને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે તેવાની સંખ્યા નોંધપાત્ર છે. ત્યારે આવા લોકોના બદલે પાયાના કાર્યકર્તાઓની અવગણના ન થાય તે બાબત પક્ષ હિતમાં છે. આ બધી બાબતોના કારણે ભાજપમાં ટિકિટ માગનારાઓ ખાસ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે.


