અંતિમ દિવસે ૯,૦૩૭ કરદાતાએ રૃા. ૮.૩૪ કરોડનો વેરો ભર્યો
કુલ ૧,પ૪,૪૮ર કરદાતાએ વેરો ભરપાઈ કરી રિબેટ યોજનાનો લાભ લીધો
ભાવનગર - ભાવનગર મહાનગરપાલિકામાં દ્વારા નવા નાણાંકીય વર્ષનો મિલકત વેરો સ્વીકારવાની કામગીરી શરૃ કરવામાં આવી છે અને કરદાતાઓને રિબેટ (વળતર) આપવામાં આવી રહ્યુ છે, જેના પગલે બહોળી સંખ્યામાં લોકો મિલકત વેરો ભરી રહ્યા છે. આજે ગુરૃવારે ૧૦ ટકા રિબેટ યોજનાનો અંતિમ દિવસ હતો તેથી મહાપાલિકાને મિલકત વેરાની સારી આવક થઈ હતી.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના મિલકત વેરા બિલો સ્વીકારવાની કામગીરી શરૃ છે, જેમાં આજે ગુરૃવારે ૧૦ ટકા રિબેટ યોજના પૂર્ણ થતી હોવાથી મિલકત વેરો ભરવા મહાપાલિકાની કચેરીએ કરદાતાઓની ભીડ જામી હતી. આજે એક દિવસમાં ૯,૦૩૭ કરદાતાએ રૃા. ૮.૩૪ કરોડનો મિલકત વેરો ભર્યો હતો. ર૯ દિવસમાં કુલ ૧,પ૪,૪૮ર કરદાતાએ કુલ રૃા. ૧૦૭.૬૦ કરોડનો મિલકત વેરો ભરી ૧૦ થી ૧ર ટકાની રિબેટ યોજનાનો લાભ મેળવ્યો હતો, જેમાં ઓનલાઈન ૧ર ટકા રિબેટ મળતુ હોવાથી વધુ લોકો ઓનલાઈન વેરો ભરી રહ્યા છે, જયારે ઘણાં લોકો ઓફલાઈન પણ વેરો ભરી રહ્યા છે.
એપ્રિલ માસમાં ઘરવેરો ભરપાઇ કરનાર કરદાતાઓને ઘરવેરા અને સફાઇ વેરાની રકમ પર ૧૦ ટકા તથા ઓનલાઇન/ડિજીટલ પેમેન્ટ ભરનારને વધારાનું ૨ ટકા એમ કરીને કુલ ૧૨ ટકા રીબેટ આપવામાં આવ્યુ હતુ પરંતુ હવે ૧૦ ટકા રિબેટ યોજના પૂર્ણ થઈ ગઈ છે, જો કે ઉપરોકત આવક રાત્રીના ૮ કલાક સુધીની છે પરંતુ ઓનલાઈન વેરો રાત્રીના ૧ર કલાક સુધી કરદાતાઓ ભરી શકે છે તેથી હજુ મનપાની આવક વધવાની શકયતા છે. આવતીકાલ શુક્રવારથી પ ટકા રિબેટ યોજના શરૃ થશે. ઓનલાઈન વેરો ભરનારને ૭ ટકા રિબેટ આપવામાં આવશે.
ગત એપ્રિલ માસમાં ૧૦૦.ર૧ કરોડની મિલકત વેરાની આવક થઈ હતી
ભાવનગર મહાનગરપાલિકાને ગત વર્ષ ર૦રપ-ર૬ ના એપ્રિલ માસમાં ૧૦ ટકા રિબેટ યોજનાના પગલે રૃા. ૧૦૦.ર૧ કરોડની આવક થઈ હતી અને ૧,૪૬,પ૦૯ કરદાતાએ મિલકત વેરો ભર્યો હતો. ગત વર્ષની સરખામણીએ મહાપાલિકાને રૃા. ૭ કરોડથી વધુની આવક થઈ છે અને હજુ આવક વધવાની શકયતા છે.


