રેલીથી રીલ્સ સુધી:ઉમેદવારો હવે સોશિયલ મીડિયા પર વધુ સક્રિય : સભાઓ ઓછી અને વીડિયો ઝાઝા : પત્રિકાઓની સમાંતરે પોસ્ટ: ફિલ્મી સ્ટાઈલવાળા વીડિયોથી મતદારોને આકર્ષવાની મથામણ
રાજકોટ, : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનાં ઉમેદવારો હવે પરંપરાગત સભાઓ અને રેલીઓ સાથોસાથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુ-ટયુબ જેવા માધ્યમો ચૂંટણી પ્રચાર માટે મુખ્ય હથિયાર બની રહ્યાં હોવાથી કન્ટેન્ટ ક્રીએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને કમાણીની સીઝન ખૂલી છે.
સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર વધુ ઝડપથી અને ઓછી કિંમતમાં મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચે છે. તેમાં ઘણાં લોકો કોમેન્ટ્સ અને મેસેજ દ્વારા સીધો પ્રતિસાદ પણ આપે છે, જેનાથી ઉમેદવાર લોકમિજાજ જાણી શકે છે. રાજકોટ- સૌરાષ્ટ્રના યુવાનોમાં પણ આ પ્રકારનો પ્રચાર લોકપ્રિય બન્યો છે. ઘણાં યુવાનો ઉમેદવારોના વીડિયો શેર કરે છે અને તેમના અભિપ્રાય પણ જાહેર કરે છે.
કેટલાંક ઉમેદવારો દ્વારા 10 દિવસ પ્રચાર માટે કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો છે, જેમાં રોજના રૂા.2થી 5,000 ચાર્જ લેતા કેમેરામેન ઉમેદવારની સાથે અલગ-અલગ વિસ્તારોમાં ફરીને બેથી ત્રણ કલાકનો વીડિયો શૂટ કરે છે. ઉમેદવારની લોકો સાથેની મુલાકાત, હારતોરા સહિત જુદા-જુદા કોન્સેપ્ટ અને કન્ટેઇન મુજબ સારા શોટ મિક્સ કરવામાં આવે છે અને 10 સેકેન્ડ આસપાસના વીડિયોમાં ફિલ્મનાં ગીતો અને ડાયલોગ મુકવામાં આવે છે. રોજ દિવસ દરમિયાન એ અલગ-અલગ રીલ્સ ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુકમાં અપલોડ કરાતી રહેશે.


