અમેરિકા-ઈઝરાયેલ-ઈરાનના યુદ્ધના કારણે નિકાસકારો મુશ્કેલીમાં : બિલ્ડિંગ મટિરિયલ્સ, એન્જિનિયરિંગ પાર્ટસ, શાકભાજી સહીતનાં મહાકાય કાર્ગો શીપ વિદેશી બંદરો પર ફસાઈ જતાં ભારે નુકસાન
પોરબંદર, : અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં પોરબંદર સહિત રાજયના નિકાસકારોના અનેક કન્ટેનરો વિદેશી બંદરો પર ફસાઈ જતાં ઉત્પાદકો અને નિકાસકારોના કરોડો રૂપિયા ફસાઈ જતાં ભારે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિમાં ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કમીટીના ચેરમેન નાણામંત્રીને પત્ર પાઠવી બેન્ક ક્રેડિટ, ઈપીસીમાં વ્યાજની રાહત આપવા માગણી કરી કેન્દ્ર રાજયની મદદ માંગી છે.
પોરબંદર ડિસ્ટ્રિકટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ અને ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કમીટીના ચેરમેને કેન્દ્રિય નાણામંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં પોરબંદર સહિત રાજયના નિકાસકારોના અનેક કન્ટેનરો વિદેશી બંદરો પર ફસાઈ ગયા છે અને કારોબાર ઠપ થઈ ગયા છે. કેટલાક કારગોમાં ફીશ, શાકભાજી તેમજ ખાદ્ય ખોરાકી વસ્તુઓ છે. જે બગડી જવાની કગાર પર આવી ગયા છે. કેટલાય કારગોમાં એન્જિનિયરિંગ પાર્ટસ ,બિલ્ડિંગ મટિરિયલ્સ , જુદી જુદી ખનીજોનો સમાવેશ થાય છે.
હાલની સ્થિતિમાં ગેસ આધારિત અનેક યુનિટો બંધ થઈ ગયા છે, અનેક પ્લાન્ટને તાળા લાગી ગયા છે. ટર્ન ઓવરમાં વિક્ષેપ પડતાં આર્થિક સમસ્યાઓ ખડી થઈ છે. આ યુદ્ધ કેટલા દિવસ ચાલશે એ નકકી નથી. યુદ્ધ પૂર્ણ થયા પછી આ માલ કેટલા દિવસે ગંતવ્ય સ્થાને પહોચશે એ પણ નકકી નથી. જેના કારણે એકસપોટરના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે. આ બધાની ધંધાકીય આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે.


