Get The App

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત, વડોદરા મુલાકાતથી રાજકારણમાં ગરમાવો

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત, વડોદરા મુલાકાતથી રાજકારણમાં ગરમાવો 1 - image

Rahul Gandhi Gujarat Visit: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત પહેલા ગુજરાતની મુલાકાતે આવશે. આગામી 23 માર્ચે રાહુલ ગાંધી ગુજરાતના વડોદરા પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરવા ઉપરાંત આદિવાસી સમુદાયના સભ્યો સાથે ખાસ વાતચીત કરશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત

રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત થવામાં થોડા જ દિવસો બાકી છે, ત્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. એવી અટકળો ચાલી રહી છે કે, રાજ્ય વિધાનસભાનું સત્ર 25 માર્ચે પૂર્ણ થશે. આ પછી 26 માર્ચે, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો સમયપત્રક જાહેર કરી શકે છે. 2021માં ગુજરાતના મુખ્ય શહેરોમાં ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે સુરતથી AAPએ રાજ્યમાં પ્રવેશ કર્યો હતો.

વડોદરા મુલાકાતથી રાજકારણમાં ગરમાવો

વડોદરામાં છેલ્લા સમયતી કોંગ્રેસ પક્ષની જીત થઈ નથી. જો કે, વડોદરાને અડીને આવેલા આદિવાસી પટ્ટામાં કોંગ્રેસે મજબૂત હાજરી જાળવી રાખી છે. આ પટ્ટાના મુખ્ય પ્રદેશોમાં છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ અને નર્મદાનો સમાવેશ થાય છે. 2027ની ચૂંટણીમાં ભાજપને પડકારવા માટે કોંગ્રેસે રાજ્યમાં પક્ષને પુનર્જીવિત કરવા માટે 'સંગઠન નિર્માણ અભિયાન' શરૂ કર્યું છે.

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં હોસ્પિટલ કેમ્પસ બહાર કલાકો સુધી તાંત્રિક વિધિ! મૃતકનો 'આત્મા' લેવા ભુવાને બોલાવ્યો, દર્દીઓમાં ડરનો માહોલ

કોંગ્રેસ પક્ષના સંગઠનના પુનર્ગઠન પછી મ્યુનિસિપલ અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કોંગ્રેસ પક્ષ માટે પ્રથમ કસોટી રહેશે. વડોદરા શહેરમાં કોંગ્રેસનું નેતૃત્વ ઋત્વિક જોશીના હાથમાં છે. તેમને નવી બોડીમાં બીજા વખત શહેર પ્રમુખ તરીકે જાળવી રાખવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, પાર્ટીના આદિવાસી પાંખના વરિષ્ઠ પદાધિકારીઓ પણ રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન તેમની સાથે રહેશે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા બજેટ સત્રના બીજા તબક્કા દરમિયાન રાહુલ ગાંધી પરંપરાગત આદિવાસી પોશાક પહેરીને સંસદની બહાર જોવા મળ્યા હતા.

કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી

રાહુલ ગાંધીના પ્રવાસ કાર્યક્રમ માટે કેન્દ્રીય નેતૃત્વ તરફથી મંજૂરી મળ્યા બાદ શહેર અને રાજ્ય ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતના પ્રભારી હાલ રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક છે. તાજેતરમાં અટકળો વહેતી થઈ હતી કે, પાર્ટી સચિન પાયલટને કમાન સોંપી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના નેતાઓ ભૂતકાળમાં પણ ગુજરાતના પ્રભારી તરીકે સેવા આપી ચૂક્યા છે. રાહુલ ગાંધી ઘણા સમય પછી વડોદરાની મુલાકાત આવશે. રાહુલ ગાંધીએ છેલ્લે જૂનાગઢની પહોંચ્યા હતા, ત્યારે તેમણે તમામ જિલ્લા પ્રમુખોની સભાને સંબોધિત કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે

એવી અટકળો ચાલી રહી છે કે, રાહુલ ગાંધીની મુલાકાત બાદ કોંગ્રેસના ઘણા અન્ય નેતાઓ પણ ગુજરાતની મુલાકાત લઈ શકે છે. રાજ્યમાં મ્યુનિસિપલ અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ એપ્રિલમાં યોજાવાની ધારણા છે. રાહુલની આ મુલાકાત ખાસ કરીને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે, તાજેતરના સમયમાં અરવિંદ કેજરીવાલની AAPએ આદિવાસી પટ્ટામાં પોતાનો પગ મજબૂત કર્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ અમિત ચાવડાના હાથમાં છે.