Gujarat

સૌરાષ્ટ્રમાં મેઘસવારી થંભીઃ રાજકોટ શાંતિપૂર્ણ ત્રણ ઈંચ વરસાદથી જળમગ્ન

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
આજે રવિવારે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત રહ્યો. રાજકોટ શહેરમાં 3 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા. માત્ર 2 કલાકમાં 47 મિ.મી. વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. મોરબી, જામનગર, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદ નોંધાયો. હવામાન વિભાગે સોમવારે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૌરાષ્ટ્રમાં મેઘસવારી થંભીઃ રાજકોટ શાંતિપૂર્ણ ત્રણ ઈંચ વરસાદથી જળમગ્ન

રાજકોટ : સૌરાષ્ટ્રમાં આજે રવિવારે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. રાજકોટ શહેર સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ સાથે જળમગ્ન રહ્યું હતું. સવારથી ઝરમર વરસાદ વચ્ચે બપોરે ૧૨થી ૨ વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં ૪૭ મિ.મી. એટલે કે બે ઈંચ જેવો વરસાદ વરસતા અનેક મુખ્ય માર્ગો, નીચાણવાળા વિસ્તારો જળબંબોળ બની ગયા હતા. રવિવારની રજા હોવાથી લોકો આરામમાં હતા, તો ઘણાં લોકોએ રેસકોર્સ રીંગ રોડ સહિતના સ્થળોએ પહોંચી જઈને ન્હાવાનો આનંદ માણ્યો હતો.
રાજકોટ જિલ્લામાં આજે પડધરીમાં દોઢ ઈંચ, ગોંડલ અને જેતપુરમાં અડધો ઈંચ વરસાદ મુખ્ય હતો. મોરબી જિલ્લામાં ગઈકાલે ૧૧ ઈંચ સુધીના અનરાધાર વરસાદ બાદ અને હળવા-ભારે ઝપટાં ચાલુ રહ્યા હતા. જામનગર જિલ્લામાં આજે લાલપુર અને જામનગરમાં અડધા ઈંચ વરસાદને બાદ કરતા અન્યત્ર વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા ઝાપટાંનો માહોલ રહ્યો હતો. જુનાગઢમાં આજે એક ઈંચ, જ્યારે ભેસાણ, માણાવદર, વંથલી અને મેંદરડામાં અડધો ઈંચ મેઘમહેર વરસી હતી. અમરેલી જિલ્લાના બગસરા, ધારી, સાવરકુંડલા, કુંકાવાવ-વડિયામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે પણ દરિયાકાંઠાના પોરબંદર, ગીર સોમનાથ અને દ્વારકા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું હતું.
આજે હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ સોમવારે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ૪૦થી ૫૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. ત્યારબાદ વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગશે.