Gujarat

કલિનિકલ રીસર્ચ કૌભાંડ ફરી જાગ્યું, VS હોસ્પિટલના ૧૮ કરોડના કોભાંડ મામલે ઉગ્ર રજૂઆત કરાઈ

By GS TEAM
20 Feb 20261 min read
કલિનિકલ રીસર્ચ કૌભાંડ ફરી જાગ્યું, VS હોસ્પિટલના ૧૮ કરોડના કોભાંડ મામલે ઉગ્ર રજૂઆત કરાઈ

અમદાવાદ,ગુરુવાર,19 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલમાં આચરવામાં આવેલા કલિનિકલ રીસર્ચ કૌભાંડને એક વર્ષ પછી ફરી યાદ કરાયુ છે. ચાંદખેડાના કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ બોર્ડ બેઠકમાં પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશન માંગી હોસ્પિટલના ડોકટરો દ્વારા આચરવામા આવેલા રુપિયા ૧૮ કરોડના કલિનિકલ રીસર્ચ કૌભાંડ મામલે ૧૪ ડોકટરો પાસેથી ૩૫ લાખની રકમ રીકવર કરાવાયા પછી કયા કારણથી આગળ કાર્યવાહી કરાતી નથી.તે મુદ્દે ઉગ્ર રજૂઆત કરતા તેમને રોકવાની સાથે તંત્ર કે સત્તાધીશો તરફથી કોઈ જવાબ આપવામા આવ્યો નહોતો.

વી.એસ.હોસ્પિટલમાં વર્ષ-૨૦૨૦થી ૨૦૨૫ સુધીમા ૬૫ કિલિનિકલ રીસર્ચના કામ હોસ્પિટલને મળ્યા હતા.આ પૈકી ૪૮ ટ્રાયલ પુરી કરાઈ હતી.કૌભાંડ બહાર આવતા કોર્પોરેશન તરફથી તપાસ સમિતિની રચના કરાઈ હતી. ચાંદખેડાના કોર્પોરેટરે કહ્યુ, એક વર્ષ થઈ ગયુ.માત્ર ૧૪ ડોકટરો પાસેથી ૩૫ લાખની રકમ રીકવર કરાઈ છે. રકમ રીકવર કરવાથી ડોકટરોએ કરેલો ગુનો માફ થઈ જતો નથી. કયા કારણથી મ્યુનિસિપલ કમિશનર કે સત્તાધારી પક્ષના મેયર સહિતના પદાધિકારી બાકીની રકમ વસૂલ કરવા પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરતા નથી. કોર્પોરેટરના કહેવા પ્રમાણે, ડોકટર ધૈવત શુકલ પાસેથી રૃપિયા ૯૩ લાખ અને ડોકટર દેવાંગ રાણા પાસેથી રુપિયા ૫૮ લાખની વસૂલાત હજી સુધી કરાઈ નથી.  ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે રીતસરના ચેડાં કરી આચરવામા આવેલા કૌભાંડ મામલે ભીનુ સંકેલી લેવામા આવ્યુ છે.