Get The App

વડોદરામાં દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન વેપારી અને દબાણ ટીમ વચ્ચે ઘર્ષણ

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન વેપારી અને દબાણ ટીમ વચ્ચે ઘર્ષણ 1 - image

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા આજે વોર્ડ નંબર સાત વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

આ દરમિયાન તુલસીવાડીથી વિજયનગર તરફ જતા માર્ગ ઉપર દબાણ હટાવવાની કામગીરી વખતે એક દુકાન સંચાલક અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી સર્જાતા થોડા સમય માટે તંગદિલીનો માહોલ ઉભો થયો હતો.

મળતી માહિતી મુજબ દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન વીડિયો રેકોર્ડિંગ કરી રહેલા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી વધતા બંને પક્ષ વચ્ચે ઝઘડો સર્જાયો હતો. ઘટનાને પગલે આસપાસ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

બાદમાં સમગ્ર મામલો કુંભારવાડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. કોર્પોરેશનના કર્મચારીઓ ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં કોંગ્રેસના આગેવાનો પણ પોલીસ મથકે દોડી ગયા હતા, જેને લઈ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ હતી.

જોકે અંતે બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ જતા કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નહોતી હોવાનું જાણવા મળે છે.