Gujarat

બોપલમાં એક કલાકમાં ૧૧ મિ.મી.,અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ જ વરસ્યો

By GS Team
20 Jun 20211 min read
This article was originally published on 20 Jun 2021
બોપલમાં એક કલાકમાં ૧૧ મિ.મી.,અન્ય વિસ્તારોમાં   સામાન્ય વરસાદ જ વરસ્યો

અમદાવાદ,રવિવાર,20 જુન,2021

અમદાવાદ શહેરમાં રવિવારે ફરી એક વખત વરસાદે હાથતાળી આપી હોય એમ  બપોરે એક કલાકમાં બોપલમાં ૧૧ મિલીમીટર જયારે અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.રવિવારે બપોરે પુરા થતા ૨૪ કલાકમાં શહેરમાં સરેરાશ ૩.૩૫ મિલીમીટર વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૮.૫૫ ઈંચ થવા પામ્યો છે.હળવા વરસાદથી વરસાદ તુટી પડશે એવી લોકોની આશા ઠગારી નિવડી હતી.

રવિવારે બપોરે એકના સુમારે શહેરમાં અસહ્ય ઉકળાટની વચ્ચે આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઈ જતા શહેરના બોપલ,બોડકદેવ,સાયન્સ સીટી ,એસ.જી.હાઈવે સહીત અનેક વિસ્તારોમાં હળવો વરસાદ શરૃ થયો હતો.બપોરે ૧થી ૨ના એક કલાકના સમયમાં બોપલમાં ૧૧ મિલીમીટર,બોડકદેવ વોર્ડમાં ૭.૫૦ મિલીમીટર,સાયન્સ સીટી વિસ્તારમાં ૬.૫૦ મિલીમીટર વરસાદ વરસ્યો હતો.શહેરના તમામ સાત ઝોનમાં હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી ૧૩૩.૨૫ ફૂટ નોંધાઈ છે.બેરેજના ગેટ નંબર-૨૮ને છ ઈંચ ખોલવામાં આવ્યો છે.