Gujarat

ચોટીલા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના, દર્શન કરી પરત ફરતા અમદાવાદના ઠાકોર પરિવારના બે સભ્યોના કરૂણ મોત

By GS TEAM
20 Mar 20262 mins read
TukuTouch Logo
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે (20 માર્ચ) સવારે એક ગમખ્વાર અકસ્મતા સર્જાયો છે. ચોટીલાથી આશરે સાત કિલોમીટર દૂર સ્વિફ્ટ કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે થયેલી ભયંકર ટક્કર થતાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ ટ્રિપલ અકસ્માત એટલો ભીષણ હતો કે વાહનોના કુરચેકુરચા બોલી ગયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોટીલા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના, દર્શન કરી પરત ફરતા અમદાવાદના ઠાકોર પરિવારના બે સભ્યોના કરૂણ મોત

Triple Accident Near Chotila: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે (20 માર્ચ) સવારે એક ગમખ્વાર અકસ્મતા સર્જાયો છે. ચોટીલાથી આશરે સાત કિલોમીટર દૂર સ્વિફ્ટ કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે થયેલી ભયંકર ટક્કર થતાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ ટ્રિપલ અકસ્માત એટલો ભીષણ હતો કે વાહનોના કુરચેકુરચા બોલી ગયા હતા. 

મંદિરેથી દર્શન કરીને પરત ફરતા સમયે બની દુર્ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના સૈજપુર વિસ્તારનો ઠાકોર પરિવાર ચૈત્રી નવરાત્રી નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા ગયો હતો. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ચોટીલા પાસે ઉભેલા એક ટ્રકની પાછળ પીકઅપ વાન અને તેની પાછળ પૂરઝડપે આવી રહેલી સ્વિફ્ટ કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતને પગલે હાઈવે પર ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.

મૃતકો અને ઈજાગ્રસ્તોની વિગતો

આ દુર્ઘટનામાં ઠાકોર પરિવારના બે સભ્યોએ જીવ ગુમાવ્યા છે. જેમાં સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 28) અને આશિષ રણજીતભાઈ ઠાકોર (ઉં.વ. 16)નો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં કલ્પેશભાઈ કાનુભાઈ ઠાકોર (ઉં.વ. 29), હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 30) અને દિવ્યાંશ હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 3)નો સમાવશે થાય છે.

હાઈવે પર ટ્રાફિક જામ અને પોલીસ કાર્યવાહી

અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સિવિલ હોસ્પિટલ મોકલી આપી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.