Gujarat

ઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરીનો કહેર, નડિયાદમાં ટુ-વ્હિલર ચલાવતી યુવતીનું ગળું કપાયું

By GS TEAM
17 Nov 20252 mins read
TukuTouch Logo
ઉત્તરાયણને હજી બે મહિનાની વાર છે, ત્યાં જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ નડિયાદમાં કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. ચાઈનીઝ દોરીની ઝપેટમાં આવવાથી એક કોલેજિયન યુવતીનું ગળું કપાયું હતું, જો કે, સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરીનો કહેર, નડિયાદમાં ટુ-વ્હિલર ચલાવતી યુવતીનું ગળું કપાયું

Nadiad News: ઉત્તરાયણને હજી બે મહિનાની વાર છે, ત્યાં જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીએ નડિયાદમાં કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. ચાઈનીઝ દોરીની ઝપેટમાં આવવાથી એક કોલેજિયન યુવતીનું ગળું કપાયું હતું, જો કે, સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો છે.

ટુ-વ્હિલર પર જતી યુવતી લોહીલુહાણ

મળતી માહિતી અનુસાર, નડિયાદના વૈશાલી સિનેમા રોડથી માનવ સેવા પરિવાર ટી પોઈન્ટ પર આ અકસ્માત સર્જાયો હતો. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી મનીષા મારવાડી નામની યુવતી ટુ-વ્હીલર પર જઈ રહી હતી ત્યારે તેના ગળામાં અચાનક ચાઈનીઝ દોરી ફસાઈ ગઈ હતી. દોરીના ઘર્ષણથી યુવતીનું ગળું કપાઈ જતાં તે લોહીલુહાણ થઈ ગઈ હતી.

સમયસર સારવાર મળતાં જીવ બચ્યો

આ ઘટના બનતા જ યુવતી સાથે રહેલી તેની મિત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. મિત્રએ મનીષાને તુરંત જ નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી. જ્યાં ડૉક્ટરે તાત્કાલિક તેની સારવાર શરૂ કરી દેતાં સદ્નસીબે યુવતીનો જીવ બચી ગયો હતો.

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં AAPનું શક્તિ પ્રદર્શન, ચૈતર વસાવાની સભામાં કોંગ્રેસ-ભાજપના 200 કાર્યકરો આપમાં જોડાયા

પિતાએ કડક કાર્યવાહીની માંગ કરી

મનીષા મારવાડીના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ છે, પરંતુ સમયસર સારવારથી મોટી દુર્ઘટના ટળી છે. ઈજાગ્રસ્ત યુવતીના પિતાએ તંત્ર સમક્ષ ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર કડક હાથે કાર્યવાહી કરવાની અને તેનું વેચાણ કરનારાઓ સામે પગલાં લેવાની માંગ કરી છે.

પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરીનું બેફામ વેચાણ થતું હોવાથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ અગાઉ પણ નડિયાદની 20 વર્ષીય એક યુવતીનો જીવ ચાઈનીઝ દોરીએ લીધો હતો.