Get The App

VIDEO | ચિલોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન: રૂ.1 લાખના હાથીદાંત સાથે રાજસ્થાની યુવક ઝડપાયો, તસ્કરીનું મોટું નેટવર્ક હોવાની આશંકા

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO | ચિલોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન: રૂ.1 લાખના હાથીદાંત સાથે રાજસ્થાની યુવક ઝડપાયો, તસ્કરીનું મોટું નેટવર્ક હોવાની આશંકા 1 - image


Gandhinagar News : ગાંધીનગર જિલ્લાની ચિલોડા પોલીસે નેશનલ હાઈવે 48 પર હાથ ધરેલા વાહન ચેકિંગ દરમિયાન વન્યજીવ તસ્કરીના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચંદ્રાલાકા પોઈન્ટ પાસે એક ખાનગી લક્ઝરી બસની તપાસ દરમિયાન 31 વર્ષીય યુવક પાસેથી અંદાજે 1 લાખ રૂપિયાની કિંમતના હાથીના બે શંકાસ્પદ દાંત જપ્ત કર્યા છે. આ મામલે વન વિભાગની ટીમ સક્રિય થઈ છે અને જપ્ત કરાયેલા દાંત અસલી છે કે કેમ તેની ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવશે.

લક્ઝરી બસમાં મુસાફર બનીને જતો હતો તસ્કર

ચિલોડા પોલીસની ટીમ હિંમતનગર-ચિલોડા હાઈવે પર આવેલી એક હોટલ પાસે વોચમાં હતી. આ દરમિયાન હિંમતનગર તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સને રોકીને મુસાફરોના સામાનની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન એક યુવકના થેલામાંથી સફેદ રંગના શંકાસ્પદ હાથીના દાંત મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસે આ મામલે યશ ગોપાલભાઈ વોરા નામના શખસની ધરપકડ કરી છે. આરોપી મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો વતની છે અને હાલમાં મુંબઈના નવી મુંબઈ વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પાસેથી 1 લાખની કિંમતના હાથીના બે દાંત અને 10,000નો મોબાઈલ મળી કુલ 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વન વિભાગે તપાસ આદરી

આ ઘટના વન્યજીવ સુરક્ષા સાથે જોડાયેલી હોવાથી ગાંધીનગર વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગ આ દાંતની લેબોરેટરી તપાસ કરાવશે. જો આ દાંત અસલી સાબિત થશે, તો આરોપી વિરુદ્ધ 'વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ' (વન્યજીવ સંરક્ષણ અધિનિયમ)ની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચો: સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર

તસ્કરીના નેટવર્કની તપાસ

પોલીસ અને વન વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે, આરોપી આ શંકાસ્પદ હાથીના દાંત ક્યાંથી લાવ્યો હતો અને મુંબઈમાં કોને સપ્લાય કરવાનો હતો? પોલીસને આશંકા છે કે આમાં કોઈ આંતરરાજ્ય વન્યજીવ તસ્કરીનું મોટું નેટવર્ક કાર્યરત હોઈ શકે છે. હાલમાં ચિલોડા પોલીસે ભારતીય ન્યાય સંહિતા(BNS)ની જોગવાઈઓ હેઠળ આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.