Get The App

છોટા ઉદેપુર: ચૂંટણી તંત્રની બેવડી નીતિ! ગેરહાજર અધિકારીઓ સામે વોરંટ, આચારસંહિતાના ભંગ સામે 'આંખ આડા કાન'?

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
છોટા ઉદેપુર: ચૂંટણી તંત્રની બેવડી નીતિ! ગેરહાજર અધિકારીઓ સામે વોરંટ, આચારસંહિતાના ભંગ સામે 'આંખ આડા કાન'? 1 - image


Gujarat Local Body Elections 2026: છોટા ઉદેપુર જિલ્લામાં 26મી એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લાની 32 જિલ્લા પંચાયત, 150 તાલુકા પંચાયત અને પ્રથમવાર બોડેલી નગરપાલિકા માટે મતદાન યોજાનાર છે. જોકે, મતદાનના ગણતરીના કલાકો પૂર્વે જ નસવાડી પંથકમાં આચારસંહિતાનો સરેઆમ ભંગ અને ચૂંટણી સ્ટાફની ગેરહાજરીએ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે.

આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ

નસવાડી તાલુકાના કંકુવાસણ ગામ પાસે આચારસંહિતાના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે. પ્રચારના પડઘમ શાંત થયા બાદ પણ ભાજપ અને કોંગ્રેસના બેનરો, તોરણો અને ઝંડાઓ યથાવત્ લટકી રહ્યા છે. નિયમ મુજબ આ સાહિત્ય વહીવટી તંત્ર દ્વારા ઉતારી લેવાનું હોય છે, પરંતુ અધિકારીઓની ઉદાસીનતાને કારણે આદિવાસી વિસ્તારમાં હજુ પણ પ્રચાર સામગ્રી દેખાઈ રહી છે, જે મતદારોને પ્રભાવિત કરી શકે છે.

આ પણ વાંચો: સુરત: જનતાને દંડ પણ નેતાઓને છૂટ? રાજકીય રેલીઓમાં ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા

3 અધિકારીઓ સામે પોલીસ વોરંટ

બીજી તરફ નસવાડી તાલુકામાં ચૂંટણીની કામગીરીમાં મોટી ક્ષતિ સામે આવી છે. ત્રણ બૂથના પ્રિસાઇડિંગ ઑફિસરો પોતાની ફરજ પર ગેરહાજર રહેતા ચૂંટણી અધિકારીએ લાલ આંખ કરી છે. કડક કાર્યવાહીના ભાગરૂપે પ્રિસાઇડિંગ ઑફિસર પટેલ હિતેશ મોહનભાઈ, પ્રિસાઇડિંગ ઑફિસર શરફરાઝ આદમ સુરતી અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઑફિસર અમિત કુમાર ઇન્દુભાઈ વ્યાસ સામે પોલીસ વોરંટ કાઢ્યું છે અને તેને તત્કાલ પકડી લાવવા આદેશ અપાયા છે.

ચૂંટણીની તૈયારીઓ અને સુરક્ષા

ઉલ્લેખનીય છે કે, જિલ્લાના 7 તાલુકા મથકો પરથી ઈવીએમ મશીનોનું ડિસ્પેચિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રિસાઇડિંગ અધિકારીઓ અને પોલિંગ સ્ટાફને જરૂરી સામગ્રી સાથે મતદાન મથકો તરફ રવાના કરાયા છે. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા નિષ્પક્ષ ચૂંટણીના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર જોવા મળતી આ ક્ષતિઓ અને આચારસંહિતાનો ભંગ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.