Village Issues In Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા તાલુકાની સરહદ પર આવેલું 'ઊંચાકલમ વસાહત' આજે સરકારી તંત્રના અંધેર વહીવટનો જીવતો જાગતો પુરાવો બની ગયું છે. નર્મદા ડેમના અસરગ્રસ્તો તરીકે વસેલા આ પરિવારો છેલ્લા 20 વર્ષથી પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે, પરંતુ બે તાલુકાના વહીવટી વિભાજનની ગૂંચવણમાં તેમની સમસ્યાઓ ઉકેલાવાને બદલે જટિલ બની રહી છે.
અજીબ વહીવટી વિરોધાભાસ
ઊંચાકલમ વસાહતની સૌથી મોટી સમસ્યા વહીવટી છે. તંત્રની બેદરકારીને કારણે અહીંના રહીશોની ઓળખ જ દ્વિધામાં મુકાઈ છે. ગામના લોકોના આધારકાર્ડમાં તાલુકા તરીકે 'બોડેલી' લખાયેલું આવે છે. આ વસાહતના લોકોને જ્યારે આવક-જાતિના દાખલા પણ બોડેલી તાલુકામાંથી આપવામાં આવે છે. ઊંચાકલમ વસાહતનો સમાવેશ સંખેડા તાલુકાની સણોલી જૂથ ગ્રામ પંચાયતમાં કરવામાં આવ્યો છે અને તે મતદાન પણ સંખેડા તાલુકામાં જ કરે છે. જ્યારે તાલુકાઓનું વિભાજન થયું ત્યારે વહીવટી અધિકારીઓની ગંભીર ક્ષતિને કારણે આ વસાહત બે તાલુકા વચ્ચે અટવાઈ ગયું છે. તલાટી સંખેડાના નામે દાખલા આપે છે અને આધારકાર્ડ બોડેલીના બોલે છે, જેના કારણે સરકારી યોજનાઓનો લાભ લેવામાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
20 વર્ષથી સુવિધાઓનો અભાવ
ઊંચાકલમ વસાહતમાં મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના કટનેરા ગામના અને કવાંટ તાલુકાના હાફેશ્વર ગામના નર્મદા ડેમ અસરગ્રસ્તોને વસાવવામાં આવ્યા છે. 20 વર્ષથી અહીં રહેતા 300થી વધુ લોકોની વસ્તી હોવા છતાં સ્થિતિ દયનીય છે. નલ સે જલ યોજનામાં ગામમાં પાણીની ટાંકી તો બની છે, પરંતુ ગ્રામજનોના આક્ષેપ મુજબ તેમાં માટી ભરાઈ ગઈ છે, જેના કારણે દૂષિત પાણી આવે છે. નળ પણ તૂટી ગયા છે. ગામમાં ગટરલાઈનનો અભાવ છે. દૂષિત પાણી રોડ પર ભરાઈ રહે છે, જેના કારણે ચોમાસામાં રોગચાળાનો ભય રહે છે. નાના બાળકો માટે આંગણવાડી જેવી પ્રાથમિક સુવિધા પણ સરકારે પૂરી પાડી નથી.
ચૂંટણી બહિષ્કાર છતાં તંત્ર નિંદ્રામાં
ગામના લોકોએ પોતાની માંગણીઓ સંતોષવા માટે અગાઉ ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો હતો, તેમ છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી. ગ્રામજનોની મુખ્ય માંગણી છે કે, તેને સણોલી ગ્રામ પંચાયતમાંથી અલગ કરી સ્વતંત્ર ગ્રામ પંચાયત આપવામાં આવે. વસાહતનો સંપૂર્ણ વહીવટી સમાવેશ બોડેલી તાલુકામાં કરવામાં આવે જેથી આધારકાર્ડ અને પંચાયતના ડોક્યુમેન્ટ્સમાં એકરૂપતા આવે. નોંધનીય છેકે, હાલ તો આ વસાહતના લોકો 'ન ઘરના કે ન ઘાટના' જેવી સ્થિતિમાં મુકાયા છે. તંત્રના અંધેર વહીવટ સામે રોષે ભરાયેલા લોકો હવે ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે.


