Get The App

નસવાડીની કાલેડિયા ચોકડી પર અકસ્માત, કારની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના 4 સભ્યોને ગંભીર ઈજા

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
નસવાડીની કાલેડિયા ચોકડી પર અકસ્માત, કારની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના 4 સભ્યોને ગંભીર ઈજા 1 - image

Naswadi Road Accident: છોટા ઉદેપુરના નસવાડીથી બે કિલોમીટર દૂર કાલેડિયા ચોકડી પાસે એક કારચાલકે રસ્તા પર જઈ રહેલા બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઈક પર સવાર દંપતી અને તેમના બે બાળકોને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતને અંજામ આપી ભાગવાનો પ્રયાસ કરતાં કારચાલકને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

કારની ટક્કરે બાઈક સવાર એક જ પરિવારના 4 સભ્યોને ગંભીર ઈજા

ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ, નસવાડી તાલુકાના ખીચડિયા ગામના દિલીપસિંહ અદેસિંહ, પત્ની મનિશા અને તેમના બે બાળકો સાથે કુંડીયા ખાતે સામાજિક પ્રસંગે જઈ રહ્યા હતા, ત્યારે નસવાડીથી બે કિલોમીટર દૂર કાલેડિયા ચોકડી પર બોડેલી તરફથી આવતી ફોર વ્હીલર ગાડીના ચાલકે તેઓને અડફેટે લીધા હતા. અકસ્માતના બનાવમાં મોટર સાઇકલ પર જઈ રહેલા એક જ પરિવારના 4 સભ્યો હવામાં ફંગોળાયા હતા. જેમાં રોડ પર પટકાતા ચારેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને લઈને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. 

કારચાલકની અટકાયત

જ્યારે કારચાલક અકસ્માત કરીને બોડેલી તરફ ભાંગવા લાગ્યો હતો, ત્યારે લોકોએ કારચાલકનો પીછો કર્યો હતો. આ દરમિયાન કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ખાડામાં ખાબકી હતી. તેવામાં સ્થાનિકો એકઠાં થઈ જતાં કારચાલકને ઝડપી પોલીસને સોંપવામાં આવ્યો હતો. 

ઈજાગ્રસ્તોના નામ

- દિલીપસિંહ અદેસિંહ ઠાકોર(ઉં.વ. 35)

- મનીષાબહેન દિલીપસિંહ ઠાકોર(ઉં.વ. 32)

- હંસરાજ દિલીપસિંહ (ઉં.વ. 7)

- જ્યોતિકા દિલીપસિંહ(ઉં.વ. 8)

ચારેય ઈજાગ્રસ્તોને શરૂઆતમાં નસવાડી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવામાં આવ્યા હતા. જો કે, ગંભીર હાલત હોવાથી તેઓને રાજપીપળા ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

આ બધા વચ્ચે ચોંકાવનારી વાત એ છે કે, ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજપીપળા ખાતે લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સ 1 ઇજાગ્રસ્તને લઈ ગયા હતા. જ્યારે બીજા 3 દર્દીને સારવાર માટે લઈ જવા માટે નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સમાં મોકલવા માટે એક ઇજાગ્રસ્તના 160 રુપિયા લેખે 480 રૂપિયા એમ્બ્યુલન્સના ભરવામાં આવ્યા હતા. એક તરફ સરકાર ગામડાઓના લોકોને સમયસર સારવાર મળે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, તેમ છતાં દર્દીને અન્ય દવાખાનામાં રેફર કરવામાં પણ એમ્બ્યુલન્સમાં ભાડું ચૂકવવું પડ્યું હતું.