Gujarat

સાવધાન! બાઈક પર બાંધેલો LPGનો બાટલો અકસ્માત થતાં લીક થયો, યુવકનું કરુણ મોત

By GS TEAM
2 May 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી-ડભોઈ હાઈવે પર પીઠા ગામ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બોડેલી તરફથી વડોદરા જઈ રહેલા એક બાઈક સવાર યુવાનને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

સાવધાન! બાઈક પર બાંધેલો LPGનો બાટલો અકસ્માત થતાં લીક થયો, યુવકનું કરુણ મોત

Chhota Udaipur News: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી-ડભોઈ હાઈવે પર પીઠા ગામ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બોડેલી તરફથી વડોદરા જઈ રહેલા એક બાઈક સવાર યુવાનને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

કાળમુખા વાહનની ટક્કરે ગયો જીવ

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર તાલુકાના જામલા ગામના રહેવાસી 28 વર્ષીય નયનેશભાઈ કંદુભાઈ રાઠવા પોતાની બાઈક પર ગેસનો બાટલો બાંધીને વડોદરા તરફ પ્લમ્બિંગના કામ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પીઠા ગામ નજીક કાળમુખા વાહને તેમને અડફેટે લીધા હતા.

બાઈક પર બાંધેલો LPG ગેસનો બાટલો થયો લીક

અકસ્માત સર્જાતા જ બાઈક પાછળ બાંધેલો એલ.પી.જી. ગેસ સિલિન્ડર લીક થયો હતો. ગેસ લીકેજના કારણે જોતજોતામાં મોટરસાઇકલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની લપેટમાં આવી જતાં આખી મોટરસાઇકલ બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પગ પર ફરી વળ્યા હતા અજાણ્યા વાહનના ટાયર

આ કરુણ ઘટનામાં નયનેશભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પૂરઝડપે આવેલા વાહનના પૈડાં તેમના બંને પગ પર ફરી વળ્યા હતા, તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમણે ઘટનાસ્થળ પર જ દમ તોડ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ બોડેલી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર વાહનચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: સોમનાથથી દ્વારકા જતી ખાનગી બસ પલટી, રોઝડું વચ્ચે આવતા દર્દનાક અકસ્માત, 2ના મોત તો અનેકને ઈજા

અન્ય એક ત્રિપલ અકસ્માતમાં વૃદ્ધનું મોત

બીજી તરફ નસવાડી-કવાંટ રોડ પર ડણી ગામ પાસે એસટી બસ, ટ્રક અને બાઈક વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં રતનપુરાના 65 વર્ષીય વૃદ્ધ ભીલ ભરતભાઈ નરસિંહભાઈનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ગઢ બોરીયાદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ કીટના અભાવે મૃતદેહને 10 કિમી દૂર નસવાડી ખસેડવો પડતા તંત્રની ગંભીર બેદરકારી અને વિકાસના દાવાઓની પોલ ખુલ્લી પડી છે. લાખોના ખર્ચે બનેલા બિલ્ડિંગમાં ગ્રાન્ટના અભાવે ચાર મહિનાથી પોસ્ટમોર્ટમ રૂમ ન ખૂલતા મૃતકના સ્વજનોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ અકસ્માતમાં એસટી બસમાં સવાર 30 મુસાફરોનો આબાદ બચાવ થયો છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.