છોટાઉદેપુર: નસવાડીમાં ₹5 કરોડના ખર્ચે તૈયાર નવું આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનના વાંકે ધૂળ ખાતું થયું, સ્થાનિકોમાં ભારે રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ખાતે પાંચ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલું સામુહિક આરોગ્ય કેન્દ્ર(CHC)નું બિલ્ડિંગ ઉદ્ઘાટનના અભાવે ધૂળ ખાઈ રહ્યું છે. કાર્યપાલક ઇજનેરની કચેરી વડોદરાના પીઆઈયુ વિભાગ દ્વારા આ બિલ્ડિંગનું કામ કોન્ટ્રાકટર પાસે પૂર્ણ કરાવ્યું હતું. આમ, આરોગ્ય કેન્દ્રનું બિલ્ડિંગ તૈયાર થયું એના ત્રણ માસથી વધારે સમય થયો છતાં ઉદ્ઘાટન ન કરાતા બંધ છે.
નસવાડીમાં ઉદ્ઘાટનના અભાવે ધૂળ ખાઈ રહ્યું છે આરોગ્ય કેન્દ્ર
નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર નવુ તૈયાર કરાયું છતાં ઉદ્ધાટનના અભાવે મેડિકલ સેવા બંધ હોવાથી લોકો હાલ જૂના બિલ્ડિંગમાં સારવાર મેળવી રહ્યા છે. જો કે, જૂનું આરોગ્ય બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે અને ડૉક્ટરોને બેસવાની પૂરતી જગ્યા ન હોવાનું સામે આવ્યું છે.
જૂના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતિ વાળી મહિલાઓને સારવાર માટે દાખલ કરવામાં આવે છે, પરંતુ પૂરતા બેડની સુવિધા ન હોવાથી મુશ્કેલી પડી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. બીજી તરફ, જૂના બિલ્ડિંગમાં તિરાડો પડી ગઈ છે અને ગંદકીનું સામ્રાજ્ય છે. આમ, પૂરતી સુવિધાઓ ન હોવાથી દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.
નવું બિલ્ડિંગ બે માળનું બનીને તૈયાર થઈ ગયું છે, પરંતુ નેતાઓ અને મંત્રીઓ ફોટો સેશન કરાવવા માટે બિલ્ડિંગનું લોકાર્પણ ન કરતા હાલ બિલ્ડિંગને તાળા વાગેલા છે. સમગ્ર મામલે સ્થાનિકોએ માગ કરી છે કે, નવુ તૈયાર કરાયેલું સામુહિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ધાટન કરીને વહેલી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવે.








