Get The App

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે 2 ભાગીદારોના નામે બારોબાર રૂ. 75 લાખની લોન લઇ લીધી

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે 2 ભાગીદારોના નામે બારોબાર રૂ. 75 લાખની લોન લઇ લીધી 1 - image

ખોટી પાર્ટનરશીપ ડીડના આધારે  CA, તેની પત્ની, પિતા ઉપરાંત નોટરી વિરૂદ્ધ કોર્ટના આદેશથી ફરિયાદ નોંધાઇ

રાજકોટ, : 150 ફૂટ રીંગ રોડ પરના વિદ્યુતનગર મેઇન રોડ પર કરણ પાર્ક શેરી નં.1માં રહેતાં રોશનભાઇ ધીંગાણી (ઉ.વ. 38) અને તેના ભાગીદારની જાણ બહાર અન્ય ભાગીદાર જયદીપ પ્રકાશ તન્નાએ બોગસ પાર્ટનરશીપ ડીડના આધારે જુદી-જુદી બેંકો અને ફાઇનાન્સ કંપનીમાંથી રૂ. 75.22 લાખની લોન લઇ લીધાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. 

જેના આધારે પોલીસે જયદીપ ઉપરાંત તેના પત્ની ચેતનાબેન, પિતા પ્રકાશભાઇ અને નોટરી પંકજ જોટંગીયા (રહે. બધા હરી પાર્ક-4, એરપોર્ટ રોડ) વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં રોશનભાઇએ જણાવ્યું છે કે, જયદીપ વર્ષોથી તેનો મિત્ર હતો. તેને હાઉસકિપિંગનો બીઝનેશ ચાલુ કરવો હતો. જેથી બંને સર્વે કરતા હતા. જે દરમિયાન માલવભાઇ રૂપેરા સાથે સંપર્ક થતાં તેની સાથે પાર્ટનરશીપમાં બીઝનેશ શરૂ કરવાનું નક્કી કરી 2020માં અમદાવાદમાં પાર્ટનરશીપ ડીડ તૈયાર કરી હતી. 

તેમની ગ્રીનીઝોન કંપનીનો તમામ વહીવટ અને હિસાબ જયદીપ સંભાળતો હતો. કારણકે તેણે સીએનો અભ્યાસ કર્યો છે. માલવભાઇ માર્કેટીંગ અને સપ્લાયની જવાબદારી સંભાળતા હતા. જ્યારે તે નવા ક્લાયન્ટ લાવવાનું કામ સંભાળતા હતા. દર મહિને જયદીપ નફા-નુક્શાનનો હિસાબ સમયસર આપી દેતો હતો. ત્રણેય ભાગીદારો ભેગા મળી ચર્ચા-વિચારણા કરી લોન લેતા હતા. ડીસેમ્બર 2024 સુધી બધુ બરાબર ચાલ્યું હતું. 

ત્યાર પછી જયદીપે હીસાબ આપવામાં બહાના બતાવવાનું શરૂ કર્યું હતું. બેંક સ્ટેટમેન્ટ માંગતા આપતો ન હતો. આખરે કંપનીનું બેંક સ્ટેટમેન્ટ જોતાં કંપનીના નામે જુદી-જુદી બેંકો અને ફાઇનાન્સ કંપનીઓમાંથી રૂ. 75.22 લાખની લોન લેવાયાની માહિતી મળી હતી. જે તમામ રકમ જયદીપે પોતના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. જેથી તેને બંને ભાગીદારોની જાણ બહાર કઇ રીતે લોન લીધી તે અંગે પુછતાં જવાબ આપ્યો ન હતો.

જેથી જે તે બેંક અને ફાઇનાન્સ કંપનીમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, જયદીપે તેની અને માલવભાઇની ખોટી સહીઓવાળી રીટાયરમેન્ટ ડીડ નોટરી પંકજ જોટંગીયાની રૂબરૂમાં તૈયાર કરી હતી. જેમાં પોતાની અને પત્નીની નવી પાર્ટનરશીપ ડીડ નોટરી પંકજ જોટંગીયાની રૂબરૂ તૈયાર કરી તેમાં પિતા પ્રકાશભાઇની સાક્ષી તરીકે સહીં કરાવી તેના આધારે લોન લઇ લીધી હતી. જે અંગે અલગ-અલગ પોલીસ મથકમાં અરજી કરી હતી. કોર્ટમાં ફોજદારી ઇન્કવાયરી પણ દાખલ કરી હતી. આખરે કોર્ટે એફઆઇઆર કરવાનો હુકમ આપતા એ.ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો.