Get The App

રાજસ્થળી ફિડરની જર્જરીત લાઈનમાં છાસવારે વીજફોલ્ટ સર્જાતા હાલાકી

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
રાજસ્થળી ફિડરની જર્જરીત લાઈનમાં છાસવારે વીજફોલ્ટ સર્જાતા હાલાકી 1 - image

ઉમરાળા પંથકના વીજળીને લગતા પ્રશ્નો હલ કરવા માંગ

ઢીલા વાયરોમાંથી તણખા ઝરી ખેતરોમાં ઊભા પાકમાં આગ લગાડવાની ભીતિ કાયમ

ભાવનગર - ઉમરાળાના રતનપર ૬૬ કે.વી.નવું સબસ્ટેશન કાર્યાન્વિત થયાને ૭ વર્ષ વીતી ગયાં છતાં રતનપર અને ઉમરાળાની કાળુભાર નદીના સામા કાંઠાની જમીનના ખેતીવાડી વીજ જોડાણોને છેક વલભીપુરથી આવતી વર્ષો જૂની, જર્જરિત વીજળી લાઈનના રાજસ્થળી ફીડર સાથે જોડી રખાતા આ ફીડરની જર્જરિત લાઈનમાં છાશવારે વીજ ફોલ્ટ સર્જાતા રહેવાની સમસ્યા બારેય મહિના રહે છે.

દરેક ફોલ્ટ વખતે વલભીપુર અથવા ધોળા સબ-ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવાની જોગવાઈ તથા ત્યાંથી ફોલ્ટ નિવારણ ટીમ ઉપલબ્ધ થાય ત્યારે ફોલ્ટગ્રસ્ત લાઈન પર પહોંચે અને ફોલ્ટ શોધીને દૂર કરે ત્યાં સુધીમાં પિયત આપવાનો સમય ચૂકી જવાથી ખેતઉત્પાદન પર ખૂબ માઠી અસર થાય છે. નદીના સામા(ઉત્તર) કાંઠા સુધી રતનપર ૬૬  કે.વી.ની લાઈન આગામી ચોમાસા અગાઉ નાખીને આ પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા ખેડૂતોની માંગ છે.  તેમજ ઉમરાળા- ચોગઠ રોડની ઉત્તર બાજુની વીજળી લઈન રતનપર-ચોગઠ વચ્ચે રોડ કાંઠે નાખવાના બદલે રોડ નજીકના ખેતરોમાં નાખેલી છે.આ લાઈનના કેટલાક પોલ તિરાડો પડેલા,જર્જરિત થઈ ગયેલા કે નમેલા અને તાર ઢીલા પડી ગયેલા છે. જર્જરિત કે નમેલા પોલ તૂટી પડવાની અને ઢીલા વાયરોમાંથી તણખા ઝરી ખેતરોમાં ઊભા પાકમાં આગ લગાડવાની ભીતિ કાયમ રહે છે.વીજ લાઈનને ચોમાસા અગાઉ રોડ કાંઠે ફેરવવા ખેડૂતોની માંગ છે. સીમ તેમજ ગામતળમાં અનેક જગ્યાએ ખુલ્લી અને ઝાળાં-ઝાંખરીથી ઘેરાયેલી ડીપી બોક્ષ જોવા મળે છે.આવી બોક્ષ જીવલેણ અકસ્માત સર્જે ત્યાર પહેલાં જરૃરી કાર્યવાહી કરવા માંગ છે.