રિપેરિંગના
નામે કેનાલો બંધ રખાતા ખેડૂતોમાં રોષ
કેનાલના
પીલરોમાં ભંગાણ અને ઉઘાડા સળિયાએ તંત્રની પોલ ખોલી ઃ રીપેરીંગના નામે માત્ર કાગળ
પર કાર્યવાહી
સુરેન્દ્રનગર -
સુરેન્દ્રનગરથી મોરબી જતી નર્મદાની મુખ્ય કેનાલ અત્યંત જર્જરિત
થઈ ગઈ છે. પીલરોમાંથી પોપડા ઉખડવા અને સળિયા દેખાવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર
કામગીરી કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ અને ભય જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર
જિલ્લામાં નર્મદાની કેનાલોની હાલત દિન-પ્રતિદિન કથળી રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગરથી
મોરબી સુધી પાણી પહોંચાડતી મુખ્ય બ્રાન્ચની કેનાલ હાલ 'મરણપથારીએ' હોય તેમ જણાય છે. કેનાલના પાયા સમાન પીલરોમાંથી સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા
છે અને અંદરના લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે. નર્મદા વિભાગ દ્વારા રીપેરીંગની
મોટી વાતો અને ગ્રાન્ટની જાહેરાતો તો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં
ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામગીરી દેખાતી નથી.
કેનાલ
પરના બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે,
જેના કારણે ખેડૂતો જ્યારે પોતાની મશીનરી મૂકવા કે ત્યાંથી પસાર થવા
જાય છે ત્યારે તેમના જીવનું જોખમ વધી જાય છે. કોંક્રિટ છૂટું પડી રહ્યું હોવાથી
કેનાલની મજબૂતી સામે સવાલો ઉઠયા છે. એક તરફ પાણી છોડવાની પ્રક્રિયા ચાલુ છે, ત્યારે બીજી તરફ આ ખવાઈ ગયેલા પીલરો ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતા
છે. ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં
તંત્ર જાગે અને સત્વરે આ મુખ્ય કેનાલનું સમારકામ હાથ ધરે.


