Gujarat

કેપિટલ ફાઈનાન્સના સંચાલક લોકો પાસેથી રૃપિયા ઉઘરાવીને ફરાર

By GS Team
21 Oct 20252 mins read
This article was originally published on 21 Oct 2025
કેપિટલ ફાઈનાન્સના સંચાલક લોકો પાસેથી રૃપિયા ઉઘરાવીને ફરાર

 વડોદરા,વાઘોડિયા રોડ ગુરૃકુળ સર્કલથી હાઇવે તરફ જવાના રસ્તાપર આવેલી કેપિટલ  ફાઇનાન્સના નામે ઓફિસ ખોલી લોકોેને લોન અપાવવાનો ભરોસો આપી રૃપિયા ઉઘરાવી ફરાર થઇ જનાર આરોપીની સામે કપુરાઇ પોલીસે  ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

વાઘોડિયા તાલુકાના વેડપુર ગામે રહેતા ખેડૂત વાસુદેવ બળવંતસિંહ ચૌહાણે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૯ મી સપ્ટેમ્બરે મને જાણવા મળ્યું હતું કે, વડોદરામાં અમિતભાઇ પટેલ નામના વ્યક્તિ તાત્કાલિક લોન કરી આપે છે. મારે લોનની જરૃર  હોઇ મેં ફોન કરતા તેમણે કહ્યું હતું કે, અલગ - અલગ પ્રકારની લોન કેપિટલ ફાઇનાન્સમાંથી મળે છે. ત્યારબાદ હું તેઓની ઓફિસે ગયો હતો. ગુરૃકુળ સર્કલથી હાઇવે તરફ જવાના રસ્તાપર સિદ્ધેશ્વર બિઝનેસ હાર્બરમાં હું કેપિટલ ફાઇનાન્સની ઓફિસે ગયો હતો. ત્યાં બેઠેલા વ્યક્તિએ પોતાનું નામ અમિતભાઇ જણાવ્યું  હતું. મેં તેઓને ૧૫ લાખની લોનની વાત કરતા તેઓએ મને કહ્યું હતું કે,ઓક્ટોબર મહિનાની ૫ થી ૧૦ તારીખમાં ૬૦ હજાર વીમાના ભરવા પડશે. ફાઇલ ચાર્જના ૪,૫૦૦ રૃપિયા મેં રોકડા આપ્યા હતા. તેઓએ ફોર્મ પર મારી સહીઓ કરાવી હતી. મેં રૃપિયા ભરવા છતાંય મારા ખાતામાં લોનના  રૃપિયા જમા થયા નહતા. ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે, અમિતભાઇ મારી જેમ અન્ય લોકો  પાસેથી  પણ લોન અપાવવાનું કહી રૃપિયા લઇને જતા રહ્યા છે. મારી પાસેથી ૬૪,૫૦૦ રૃપિયા, મિહીર બાલુભાઇ વણકર પાસેથી ૩૨,૫૦૦ રૃપિયા, આકાશ સંજયભાઇ વસાવા પાસેથી ૬૫ હજાર, વાસુદેવ કનુભાઇ વસાવા પાસેથી ૬૪,૫૦૦ રૃપિયા તથા વિનોદ વિઠલભાઇ ચીલે પાસેથી ૪૪,૫૦૦ રૃપિયા મળી કુલ ૨.૭૧ લાખ રૃપિયા લઇને નાસી ગયા છે. તેઓએ અન્ય લોકો પાસેથી પણ આ  રીતે લોનના બહાને રૃપિયા ઉઘરાવી લીધા છે.