સીએ ફાઈનલનું પરિણામ જાહેર, પહેલી વખત વડોદરાના પાંચ વિદ્યાર્થીઓ દેશના ટોપ-50માં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara CA Final Results : ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા જાન્યુઆરી મહિનામાં લેવાયેલી સીએ ફાઈનલની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં પહેલી વખત વડોદરાના પાંચ વિદ્યાર્થીઓનો દેશના ટોપ-50માં સમાવેશ થયો છે. વડોદરાના તિર્થ ઠકકરને દેશમાં 29મું, જિલ્સ પટેલને 30મું, નિલેશ સુથારને 39મું, વ્રજલ સોનીને 47મું અને કશિશ ખરાદીને 49મું સ્થાન મળ્યું છે.
આજે જાહેર થયેલા પરિણામની સાથે વડોદરાના લગભગ 60 વિદ્યાર્થીઓને સીએની ડિગ્રી પ્રાપ્ત થઈ છે. ફાઈનલના ગ્રુપ એક અને ગ્રુપ બે વિષયની તથા એક સાથે બે ગ્રુપની એમ કુલ મળીને વડોદરાના 581 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી 125 વિદ્યાર્થીઓ પોત પોતાના ગ્રુપની પરીક્ષાઓ પાસ કરવામાં સફળ રહ્યા છે અને વડોદરાનું 21.51 ટકા જેટલું ઉંચું પરિણામ આવ્યું છે. બંને ગ્રુપની પરીક્ષા આપનારા 190 પૈકી 30 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
દેશમાં 29મા ક્રમે રહેનાર તીર્થ અને તેની સાથે જ વાંચતા બે મિત્રોએ એક સાથે ડિગ્રી મેળવી
વડોદરામાં પહેલો અને દેશમાં 29મો ક્રમ મેળવનાર તિર્થ ઠક્કર પોતાની સફળતાનો મોટાભાગનો શ્રેય પોતાના બે મિત્રોને આપે છે. તિર્થ તથા તેના બે મિત્રો આર્યન દોડિયા તથા વ્રજ ગામેતી ફાઉન્ડેશનની પરીક્ષા આપી ત્યારથી સીએની તૈયારી એક સાથે કરી રહ્યા છે. તીર્થે કહ્યું હતું કે, અમે ત્રણે મિત્રો એક સાથે જ મારી ઘરે સવારથી લઈને સાંજ સુધી વાંચતા હતા. ઈન્સ્ટિટયુટમાં અમને થ્રી ઈડિયટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અમે આર્ટિકલશિપ પણ એક જ ફર્મમાં એક સાથે કરી હતી. ડર લાગતો હતો પણ ભરોસો હતો કે અમે ત્રણે મિત્રો એક સાથે સીએની ફાઈનલ પરીક્ષા પણ પાસ કરીશું અને આજે એક સાથે અમે ડિગ્રી મેળવી છે. કદાચ ભવિષ્યમાં એક સાથે સીએ ફર્મ પણ શરૂ કરીશું. મારા કરતા મારા બે મિત્રોને વધારે વિશ્વાસ હતો કે, મારી ઓલ ઈન્ડિયા રેન્ક આવશે.
ઈન્સ્ટિટયુટના મટિરિયલના આધારે તૈયારી કરી
ઈન્સ્ટિટયુટમાંથી જે મટિરિયલ મળતું હતું તેના આધારે તૈયારી કરતો હતો. રોજ 12 થી 14 કલાક વાંચતો હતો. સોશિયલ મીડિયાથી દૂર રહ્યો હતો પણ તહેવારોની ઉજવણી કરીને ફ્રેશ થતો હતો. પિતાનું 2021માં નિધન થયું હતું. મને અમેરિકા રહેતી બેન અને મામા-મામીનો ઘણો સપોર્ટ મળ્યો છે.
- પટેલ જિલ્સ, એઆઈઆર 30 અને વડોદરામાં બીજો ક્રમ
પિતા સુથારીકામ કરે છે, એક રૂમના ભાડાના ઘરમાં રહીને અભ્યાસ કર્યો
પિતા સુથારીકામ કરે છે અને મેં મોટાભાગનો અભ્યાસ એક રૂમના અને તે પણ ભાડાના ઘરમાં રહીને કર્યો હતો. પરીક્ષાના ત્રણ મહિના બાકી હતા ત્યારે હું સારી રીતે તૈયારી કરી શકું તે માટે પિતાએ થોડા મોટું ઘર ભાડે રાખ્યું હતું. પિતાએ મને કહ્યું હતું કે, હું તારી પાછળ ઉભો છું. તેઓ પોતે ભણી શક્યા નહોતા પણ મને ભણાવવા માટે તેમણે કોઈ કસર બાકી રાખી નથી. પહેલા જ પ્રયત્ને સીએ ફાઈનલ પરીક્ષા અને તે પણ ઓલ ઈન્ડિયા રેન્ક સાથે પાસ કરી છે તેનો આનંદ છે. કારણકે મારા પરિવારમાં તો કોઈએ કોલેજ પણ જોઈ નથી. માતા-પિતાએ જે સુવિધાઓનો ત્યાગ તેમણે મારા માટે કર્યો છે તે તમામ સુવિધાઓ મારે તેમને આપવી છે. તેમના ચહેરા પર આજે મારી સફળતાના કારણે જે ખુશી હતી તેનાથી મોટું કોઈ વળતર હોઈ ના શકે.
- નિલેશ સુથાર, એઆઈઆર 39 અને વડોદરામાં ત્રીજો ક્રમ
પરીક્ષા પાસ કરવા રિવિઝન સૌથી મહત્ત્વનું
સીએનો કોર્સ લાંબો હોય છે એટલે વાંચેલું ભૂલી ના જવાય તે માટે રિવિઝન સૌથી મહત્વનું પાસું છે. જો રિવિઝન કર્યુ હશે તો પરીક્ષા પાસ કરવામાં ઘણી મદદ મળશે. રોજ આઠ થી દસ કલાક વાંચતી હતી અને પરિવાર સાથે પણ થોડો સમય રોજ પસાર કરતી હતી. પિતા બિઝનેસમેન અને મમ્મી શિક્ષિકા છે.
- કશિશ ખરાદી, એઆઈઆર 49 અને વડોદરામાં પાંચમો ક્રમ









