Get The App

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ કર્યું

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ કર્યું 1 - image


CA Final 2026 Results: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા મે-2026માં લેવાયેલી CA ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે જાહેર થયેલા પરિણામોમાં પંજાબના વિદ્યાર્થીએ દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, જ્યારે ગુજરાતના સ્તરે સુરત અને વડોદરાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને મેદાન માર્યું છે. બીજી તરફ, અમદાવાદ ચેપ્ટરના પરિણામમાં આ વખતે મોટો ઘટાડો જોવા મળ્યો છે.

પંજાબના નૂર સિંગલાએ દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો

આ વર્ષે CA ફાઇનલ 2026ની પરીક્ષામાં પંજાબના પટિયાલાના નૂર સિંગલાએ ઓલ ઇન્ડિયા રેન્ક-1 (AIR 1) મેળવીને દેશભરમાં ટોપ કર્યું છે. નૂર સિંગલાએ પરીક્ષામાં કુલ 499 માર્ક્સ મેળવ્યા છે અને 83.17% સાથે રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

સુરતના 6 વિદ્યાર્થીઓએ દેશના ટોપ-50માં

સુરત શહેર માટે સીએ ફાઇનલનું પરિણામ ગૌરવવંતું રહ્યું છે. સુરતના 6 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ઓલ ઇન્ડિયા ટોપ-50માં સ્થાન મેળવીને ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. અક્ષત બેરીવાલએ દેશમાં 10મો રેન્ક (AIR 10) મેળવીને સુરત શહેરમાં પ્રથમ ક્રમે આવ્યો છે. જ્યારે રાજ શાહે ઓલ ઇન્ડિયા 30મો રેન્ક (AIR 30) મેળવીને સુરત શહેરમાં બીજા ક્રમે રહ્યો છે.

આ પણ વાંચો: ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો

વડોદરાનું પરિણામ 14.70%

વડોદરા કેન્દ્ર પરથી આ વર્ષે કુલ 626 વિદ્યાર્થીઓએ સીએ ફાઇનલની પરીક્ષા આપી હતી. જેમાંથી 92 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરીને 'ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ' બનવાનું સપનું પૂરું કર્યું છે. વડોદરાનું કુલ પરિણામ 14.70% નોંધાયું છે. વડોદરાના પરિણામમાં લક્ષ્મણ ધર્મેશ ખડકાએ કુલ 400માંથી 350 માર્ક્સ સામે વડોદરા શહેરમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે.

અમદાવાદના પરિણામમાં ઘટાડો 

આ વર્ષે અમદાવાદના વિદ્યાર્થીઓ માટે પરિણામ નિરાશાજનક રહ્યું છે. સીએ ફાઇનલના આ પરિણામોમાં અમદાવાદના એકપણ વિધાર્થીએ ઓલ ઈન્ડિયા રેન્કમાં સ્થાન મેળવ્યું નથી. અમદાવાદ ચેપ્ટરમાં ગ્રુપ 1ના પરિણામમાં પણ ખાસ્સો ઘટાડો નોંધાયો છે. ગ્રુપ 1નું પરિણામ જાન્યુઆરી કરતા 15 ટકા ઓછું આવ્યું છે.અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 13.70 ટકા આવ્યું છે. CA ફાઇનલના પરિણામમાં અમદાવાદમાંથી બંને ગ્રુપની પરીક્ષા 664 વિધાર્થીઓએ આપી હતી જેમાંથી 91 વિધાર્થીઓ પાસ થયા છે.