Get The App

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 3 વાગ્યા સુધીમાં 46 ટકા મતદાન

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 3 વાગ્યા સુધીમાં 46 ટકા મતદાન 1 - image

Umreth by Election 2026: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે (23મી એપ્રિલ) પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગાઉના ધારાસભ્યના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રની બે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 3 વાગ્યા સુધીમાં 46 ટકા મતદાન 2 - image

મતદારોમાં ઉત્સાહ યથાવત્

ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાઈ રહેલી પેટા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા અત્યંત વેગવંતી બની છે. બપોરે 1 વાગ્યા બાદ મતદાનની ટકાવારીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, બપોરે 3:00 વાગ્યા સુધીમાં ઉમરેઠમાં કુલ 46.66% મતદાન નોંધાયું છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 3 વાગ્યા સુધીમાં 46 ટકા મતદાન 3 - image

37 ટકા મતદાન થયું

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા બપોરે 1:00 વાગ્યા સુધીના ટ્રેન્ડ્સ મુજબ, ઉમરેઠ બેઠક પર મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે 1:00 વાગ્યા સુધીના 37.14 % મતદાન થયું છે. 

11 વાગ્યા સુધીમાં 25.65% મતદાન

ચૂંટણી પંચના સવારના 11:00 વાગ્યા સુધીના સત્તાવાર આંકડા મુજબ, ઉમરેઠ બેઠક પર નોંધપાત્ર મતદાન જોવા મળ્યું છે. સવારે 11:00 વાગ્યા સુધીમાં  25.65 ટકા મતદાન થયું છે. જ્યારે 9 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન થયું હતું.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 3 વાગ્યા સુધીમાં 46 ટકા મતદાન 4 - image 

2.45 લાખથી વધુ મતદારો નક્કી કરશે ઉમેદવારોનું ભવિષ્ય

આ પેટા ચૂંટણીમાં કુલ 2,45,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને યુવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં 4,174 યુવાઓ પ્રથમ વખત મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા છે. આ ઉપરાંત 1,644 જેટલા વરિષ્ઠ નાગરિકો પણ મતદાન કરવા પહોંચ્યા છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

ઉમરેઠ બેઠક પર કુલ 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે માનવામાં આવી રહ્યો છે. બંને પક્ષોએ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, ત્યારે હવે જનતા કોના પર કળશ ઢોળશે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: ગુજરાત બન્યું ભઠ્ઠી! આગામી 48 કલાક ભારે, આ શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર, જાણો બચવાના ઉપાયો

ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા

ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને શાંતિપૂર્ણ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા 306 પોલિંગ સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ 2 DYSP, 4 PI અને આશરે 500 પોલીસ અને હોમગાર્ડના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે CRPFની 3 કંપનીઓ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

નોંધનીય છે કે, આજે મતદાન પૂર્ણ થયા બાદ આગામી ચોથી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે સ્પષ્ટ થશે કે ઉમરેઠની જનતાએ કોને પોતાના નવા પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા છે.