Get The App

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ તોડી નાખ્યા!

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ તોડી નાખ્યા! 1 - image

Jamnagar News: જામનગરના વોર્ડ નંબર 12ના પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીના નેતા અસલમ કરીમ ખીલજી અને પૂર્વ કોંગી કોર્પોરેટર અલ્તાફ ગફારભાઈ ખફી વચ્ચેના વૈમનસ્યે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગત રવિવારે(22 માર્ચ) રાત્રે AAP નેતા અસલમના ભત્રીજા સહિત ત્રણ યુવાનો પર હિચકારો હુમલો થયો હતો. જેમાં બે ગાડીમાં આવેલા 8 જેટલાં શખસોએ પીડિતોનો પીછો કરી વાહન રોકાવી લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કરીને હાથ-પગ ભાંગી નાખ્યા હતા. આ ઘટનામાં ત્રણ યુવકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા હતા. ઘટના સમયે ફાયરિંગ કર્યું હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે કુલ 9 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

પૂર્વ કોર્પોરેટરના ભત્રીજા સહિત ત્રણ યુવકો પર ઘાતક હુમલો

મળતી માહિતી મુજબ, જામનગર મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અસલમ કરીમ ખીલજીએ આજે (23 માર્ચ) વહેલી સવારે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, 'પૂર્વ કોંગી કોર્પોરેટર અલ્તાફ ખફીના કહેવાથી તેઓના મળતીયાઓએ ભત્રીજા નવાજ તેમજ તેની સાથેના રવુ અને અસલમને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો હોવાથી હાથ પગ ભાંગી નાખ્યા છે.'

શું છે સમગ્ર ઘટના?

ફરિયાદ મુજબ, ગત 19મી ડિસેમ્બરના રોજ અલ્તાફ ખફીના મળતીયાઓએ ફરીયાદી અસલમ પર હુમલો થયો હતો. એ બનાવમાં અસલમનો ભત્રીજો નવાજ ફરિયાદી બન્યો હતો. જેનું વૈમનસ્ય રાખી જેલવાસ ભોગવી રહેલા અલ્તાફ ખફીના કહેવાથી 8 શખસોએ ગત 22 માર્ચ, 2026ના રોજ જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર નવાજ સહિત ત્રણ યુવકો પર ઘાતક હુમલો કર્યો હતો. 

ફાયરિંગ બાદ હિચકારો હુમલો 

આ હુમલા દરમિયાન આરોપીઓએ પીડિત યુવકોની કારને રોકાવીને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જણાય છે. હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોને પહેલા જામનગરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: અમદાવાદ સહિતના શહેરોમાં પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટ્યો, વાહનોની લાઈનો લાગી, વાહન ચાલકો પરેશાન

9 આરોપી સામે FIR

સમગ્ર મામલે સિક્કા પોલીસે અનવર ગફારભાઈ ખફી, મુખ્તાર ઉર્ફે ટોપી અબ્બાસભાઈ કુરેશી, લાલવાડીના વતની મહેબુબ ખફી, મોહસીન પચાસિયો, હનીફ મુસાભાઈ, હુસેન વધુ ખફી, હનીફ જાન મહંમદ ઉર્ફે રાંઝો સહિતના 9 આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.