Gujarat Post Office Bomb Threat: ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (27મી ફેબ્રુઆરી) સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. મહેસાણા, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાલનપુરની પોસ્ટ ઓફિસોને સત્તાવાર ઈ-મેઈલ દ્વારા ટાર્ગેટ કરાતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો એક્શન મોડમાં આવી ગઈ છે.
પાસપોર્ટ ઓફિસમાં સઘન સર્ચ ઓપરેશન
મળતી માહિતી અનુસાર, સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળતા જ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર પરિસરમાં ખૂણેખૂણાની તપાસ કરી હતી. પાસપોર્ટ કચેરીમાં કામકાજ માટે આવેલા અરજદારોમાં ફાળફાળ વ્યાપી ગઈ હતી. જો કે, પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી તપાસ ચાલુ રાખી છે.

ભાવનગર અને અમરેલી પોસ્ટ ઓફિસો નિશાન પર
સુરત, વલસાડ બાદ ભાવનગર અને અમરેલીમાં પણ સમાન પ્રકારની ધમકી મળતા ગભરાટ ફેલાયો છે. ભાવનગર હેડ પોસ્ટ ઓફિસના ડિવિઝનલ વડાને ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ સ્થાનિક પોલીસે ઓફિસની સુરક્ષા વધારી સર્ચ હાથ ધર્યું છે. અમરેલીની મુખ્ય પોસ્ટ ઓફિસને પણ મેઈલ દ્વારા ધમકી મળી હતી. સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી હતી. અહીં ફાયર ટીમ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
અમદાવાદ પાસપોર્ટ ઓફિસને ધમકી
ડેપ્યુટી રિઝનલ પાસપોર્ટ અધિકારી વિનીતકુમાર રાવે જણાવ્યું હતું કે, 'અમદાવાદ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેઇલ મળ્યો હતો. જેથી ઓફિસને ખાલી કરીને બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને જાણ કરવામાં આવી હતી. ટીમ અત્યારે ઓફિસમાં તપાસ કરી રહી છે.'

જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને ધમકી
જામનગરની ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે. જેને લઈને એલ.સી.બી., એસ.ઓ.જી., ફોગસ્કોડ, બોમ્બ સ્ક્વોર્ડ સહિતનું સુરક્ષાતંત્ર દોડતું થયું હતું, અને ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર પોસ્ટ ઓફિસની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે.
ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હોવાથી ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે. પોસ્ટ ઓફિસમાં હાજર રહેલા તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોસ્ટ ઓફિસમાં આવેલા મુલાકાતીઓને પણ બહાર બોલાવી લઈ સમગ્ર પોસ્ટ ઓફિસ ખાલી કરાવી તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે હજુ સુધી કશું વાંધાજનક મળ્યું નથી.
હિંમતનગર પાસપોર્ટ ઓફિસને ધમકી
સાબરકાંઠાના હિંમતનગર પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈ-મેઈલથી પાસપોર્ટ ઓફીસ ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેને લઈને બી ડિવિઝન પોલીસ, એસ.ઓ.જી, બી.ડી.એસ અને ફાયર વિભાગની ટીમ પાસપોર્ટ ઓફિસ પહોંચીને તપાસ હાથ ધરાઈ હતી. તકેદારીના ભાગરુપે પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસ વિસ્તારને કોર્ડન કરાયો હતો.
રાજપીપલા પાસપોર્ટ ઓફિસને ધમકી
રાજપીપલા પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઈ-મેઈલ મારફતે પાસપોર્ટ ઓફિસમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી હતી. ફાયર વિભાગની ટીમ બોમ્બ સ્કોડ સ્થાનિક પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોસ્ટઓફિસ માજ પાસપોર્ટ ઓફીસ આવેલ હોવાથી બંને ઓફિસો ખાલી કરાવી કરાઈ હતી.
વલસાડ હેડ પોસ્ટ ઓફિસને મળી ધમકી
બીજી તરફ વલસાડ હેડ પોસ્ટ ઓફિસ અને નવસારી શહેરના નાગ તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને પણ ધમકી મળી છે. બોમ્બની ધમકીના પગલે પોસ્ટ ઓફિસને ખાલી કરવામાં આવી છે. ધમકીનો કોલ મળતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોસ્ટ ઓફિસ પર પહોંચ્યા છે.
છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસે ઍલર્ટ
RPO અમદાવાદ દ્વારા અપાયેલ સૂચનાને લઈ છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસની કામગીરી રોકી દેવાઈ હતી. સુરક્ષા વ્યવસ્થાના ભાગ રૂપે પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ તેહનાત કરાઈ હતી. પાસપોર્ટ કચેરી અને પોસ્ટ કચેરી એકજ બિલ્ડિંગમાં હોવાથી પોસ્ટ વિભાગની કામગીરી પણ સ્થગિત કરવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ ટીમની તપાસ બાદ બંને કચેરીનું કામકાજ કરાશે શરૂ કરાઈ હતી.
ગોધરા પોસ્ટ ઓફિસમાં ઍલર્ટ
રાજ્યભરની પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલને લઈને પોલીસ ઍલર્ટ થઈ ગઈ છે. ત્યારે ગોધરામાં જહુરપુરા વિસ્તારમાં હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેને લઈને ગોધરા DySP અને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સાવચેતીના ભાગરૂપે ગોધરા શહેરના જહુરપુરા વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાંથી ગ્રાહકોને બહાર કઢાયા હતા. પોલીસની ટીમ દ્વારા બોમ્બ સ્ક્વોડની મદદ મેળવી તપાસ હાથ ધરાઈ હતા. જોકે, તપાસ દરમિયાન કોઈ બોમ્બ કે અન્ય ચીજ વસ્તુ ન મળી આવતા તંત્ર સહિત સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.


