Get The App

જિલ્લાની ચૂંટણીમાં ભાજપની સુનામી : 308 બેઠકમાં કમળને જીતનો કળશ

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
જિલ્લાની ચૂંટણીમાં ભાજપની સુનામી : 308 બેઠકમાં કમળને જીતનો કળશ 1 - image

મનપા, જિ.પં., ત્રણ પાલિકા અને ૯ પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસે પાસે એક તા.પં. હતી તે પણ ગુમાવી

ભ્રષ્ટાચારના આક્ષેપો, આંતરિક કલેશ, પ્રજાસેવકોની મનમાની, હજારો પ્રશ્નો છતાં મતદારોને હજુ ભાજપ ઉપર જ ભરોસો

ભાવનગર -  ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની સુનામી ફરી વળી છે.  મંગળવારે મતગણતરીના જાહેર થયેલા પરિણામો ભાજપ માટે મંગળકારી બન્યા હતા. ઈવીએમના પટારામાંથી ખુલેલા જનાદેશમાં મતદારોએ ૨૮૬ બેઠકમાં કમળ ઉપર જીતનો કળશ ઢોળ્યો હતો. ૩૯૮માંથી ૨૨ બેઠક ભાજપને બિનહરીફ મળી હોય, ૨૦૨૬ની સામાન્ય ચૂંટણીમાં કુલ ૩૦૮ બેઠક પર કમળ ખીલ્યું છે. કોંગ્રેસને માત્ર ૬૩ બેઠક પર સંતોષ માનવો પડયો હતો. સામાન્ય ચૂંટણીમાં આશ્ચર્યજનક રીતે પ્રદર્શન કરી આમ આદમી પાર્ટીએ ૧૧ અને અપક્ષ/અન્ય પક્ષે ૧૬ બેઠક પર જીતનો ઝંડો ફરકાવ્યો હતો.

ભાવનગર મહાનગરપાલિકા, ત્રણ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને દસ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે.

ભ્રષ્ટાચારના આક્ષેપો, આંતરિક કલેશ, પ્રજાસેવકોની મનમાની, હજારો પ્રશ્નો છતાં મતદારોએ હજુ ભાજપ ઉપર જ ભરોસો રાખ્યો છે. આજે જાહેર થયેલા જનાદેશમાં ભાવનગર મન૫ાની ૪૪, જિલ્લા પંચાયતની ૩૬, મહુવા નગરપાલિકાની ૧૮, પાલિતાણા નગરપાલિકાની ૨૬, વલ્લભીપુર નગરપાલિકાની ૧૮, ભાવનગર તાલુકા પંચાયતની ૧૫, ગારિયાધાર તાલુકા પંચાયતની ૧૧, ઘોઘા અને જેસર તાલુકા પંચાયતની ૧૩-૧૩, મહુવા તાલુકા પંચાયતની ૨૭, પાલિતાણા તાલુકા પંચાયતની ૧૩, સિહોર તાલુકા પંચાયતની ૧૮, તળાજા તાલુકા પંચાયતની ૧૭, ઉમરાળા તાલુકા પંચાયતની ૧૧ અને વલ્લભીપુર તાલુકા પંચાયતની ૬ મળી કુલ ૨૮૬ બેઠક ઉપર ભાજપની જીત થઈ છે.

૧૦ પૈકીની ૯ તાલુકા પંચાયતોમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપનો ભગવો લહેરાયો છે. વલ્લભીપુર તાલુકા પંચાયતમાં અપક્ષના ઉમેદવારોએ ભાજપને ધોબી પછાડ આપી સત્તા સ્થાનેથી દૂર રાખી છે. હવે આગામી દિવસોમાં તોડજોડની રણનીતિ અપનાવવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે. મહુવા નગરપાલિકામાં પણ ભાજપે હાફતા હાફતા સત્તાની ખુરશી બચાવી છે.

તમામ બેઠકોનું પરિણામ જાહેર થયા બાદ રાજકીય પક્ષો, અપક્ષો, કાર્યકરો, સમર્થકોએ જીતનો જશ્ન મનાવવા વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી ઢોલ-નગારા, ડી.જે. અને અબીલ-ગલાલની છોળો સાથે વિજય સરઘસ કાઢ્યા હતા અને એકબીજાને મોં મીઠા કરાવી જીતના અભિનંદન પાઠવ્યા હતા.

ચૂંટણી પરિણામો બાદ કહીં ખુશી, કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો. હતાશ ઉમેદવારો તરફથી ચૂંટણી તંત્ર અને હરીફ પક્ષો ઉપર આક્ષેપો પણ અઢળક કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસ-આપ અને અપક્ષ/અન્ય પક્ષને મળેલી જીત

ભાવનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસને ૦૮, જિલ્લા પંચાયતમાં ૦૨, મહુવા ન.પા.માં ૧૨, પાલિતાણા ન.પા.માં ૦૨, વલ્લભીપુર ન.પા.માં ૦૨, ભાવનગર તા.પં.માં ૦૪, ઘોઘા તા.પં.માં ૦૫, જેસર તા.પં.માં ૦૨, પાલિતાણા તા.પં.માં ૦૭, સિહોર તા.પં.માં ૦૩, તળાજા તા.પં.માં ૧૩, ઉમરાળા તા.પં.માં ૦૩ મળી ૬૩ તેમજ આમ આદમી પાર્ટીને ગારિયાધાર તા.પં.માં ૦૪, મહુવા તા.પં.માં ૦૪, તળાજા તા.પં.માં ૦૧ અને ઉમરાળા તા.પં.માં ૦૨ બેઠક મળી છે. ભાવનગર જિલ્લા પંચાયતમાં ૦૨, ગારિયાધાર તા.પં.માં ૦૧, મહુવા તા.પં.માં ૦૨, તળાજા તા.પં.માં ૦૧ અને વલ્લભીપુર તા.પં.માં ૧૦ મળી ૧૬ બેઠક પર અપક્ષ/અન્ય પક્ષના ઉમેદવારોનો વિજય થયો છે.

ભાજપે આ ૨૨ બેઠક ચૂંટણી લડયા વિના જ જીતી

નવનિર્વાચિત વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ નીકળ્યાં ઃ મોં મીઠા કરાવી જીતના અભિનંદન પાઠવ્યા

જિલ્લાની સામાન્ય ચૂંટણીમાં ૨૨ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. જેમાં મહુવા ન.પા.માં ૦૬, પાલિતાણા ન.પા.માં ૦૮, વલ્લભીપુર ન.પા.માં ૦૪, ભાવનગર તા.પં.માં ૦૧, જેસર તા.પં.માં ૦૧, મહુવા તા.પં.માં ૦૧, સિહોર તા.પં.માં ૦૧ બેઠકનો સમાવેશ થાય છે.