Narmada News : નર્મદામાં ભારતીય જનતા પાર્ટીએ રાજપીપળા નગરપાલિકા માટે કયા ઉમેદવારોને મેન્ડેટ આપ્યો છે એ સસ્પેન્સ બન્યું છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપે બંધ કરવામાં મેન્ડેટ સીધા જ ચૂંટણી અધિકારીને આપી દીધા છે.
રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત
મળતી માહિતી મુજબ, રાજપીપળા નગરપાલિકાની 28 બેઠકો માટે 126 જેટલાં ફોર્મ ભરાયા છે. ભાજપે 28 બેઠકો માટે દાવેદારી નોંધાવનાર તમામ ઉમેદવારો પાસે ઉમેદવારીપત્રો 10મી એપ્રિલના રોજ ભરાવી દીધા હતા અને 11મી એપ્રિલના બપોરે 3 વાગે મેન્ડેટ આપવામાં આવશે એવું ઉમેદવારોને જણાવ્યું હતું. આજે(11 એપ્રિલ) તમામ ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા, આ દરમિયાન ભાજપ દ્વારા મેન્ડેટ ઉમેદવારોને આપવાની જગ્યાએ બંધ કરવામાં સીધા જ ચૂંટણી અધિકારીને સોંપી દીધા છે.
બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપાયું
આમ, બંધ કવરમાં ચૂંટણી અધિકારીને મેન્ડેટ આપતા ભાજપ માંથી ટિકિટ મેળવનારા પણ દ્વિધામાં મુકાયા છે. હવે 13મી એપ્રિલના રોજ ચૂંટણી અધિકારી દ્વારા જાહેર થયા બાદ જ ખ્યાલ આવશે કે ભાજપે કોને કોને મેન્ડેટ આપ્યા છે.
આ તમામની વચ્ચે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલે ભાજપ અને અપક્ષ એમ 2 ફોર્મ જમા કરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કુલદીપ સિંહ ગોહિલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, 'મેં અપક્ષ ઉમેદવારી નથી નોંધાવી પણ ડમી ફોર્મ ભર્યું છે.'
અત્રે એ ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે રાજપીપળા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે માત્ર 8 ઉમેદવારો જ મેદાનમાં ઊતાર્યા છે અન્ય વોર્ડમાં કોંગ્રેસને કોઈ ઉમેદવારો મળ્યા નથી. આમ કોંગ્રેસને ઉમેદવારો શોધવામાં પણ ફાંફા પડ્યા છે. રાજપીપળા નગરપાલિકા વોર્ડ 5ની બક્ષીપંચ બેઠક માટે કોંગ્રેસ પક્ષના મેન્ડેટ માટે રીતસરની ખેંચતાણ થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નર્મદા કોંગ્રેસ પ્રમુખે અયાઝ બલુચિના નામનું મેન્ડટ આપ્યું હતુ. પરંતુ છેલ્લી ઘડીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ફોન કરી નામ ચેન્જ કરાવ્યું હતું અને અયાઝ બ્લુચીની જગ્યાએ આશિક પઠાણનું નામ આપતા આખરે આશિક પઠાણે કોંગ્રેસ પક્ષ તરફથી ફોર્મ ભર્યું હતું.


