Get The App

ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં 1 - image


Gujarat BJP Crisis: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં આ વખતે ભાજપને ટિકિટનો કકળાટ નડી શકે છે. અસંતોષ એટલી હદે ભભૂકી રહ્યો છે કે, જો આજ પરિસ્થિતિ રહી તો, પરિણામ પર અસર પડી શકે છે. હાલ ઠેર ઠેર ભાજપનો વિરોધ થઈ રહ્યો છે, તેના પાછળ અસંતુષ્ટોનો હાથ હોય તેમ ખુદ ભાજપના નેતાઓ જ માની રહ્યા છે.

મતદારો ઉમેદવારોને પ્રચાર કરતાં અટકાવી રહ્યા છે

આ વખતે ટિકિટોની વહેચણીમાં સગાવાદ, પરિવારવાદ અને જૂથવાદ કામ કરી ગયું છે, પરિણામે સંનિષ્ઠ-પાયાના કાર્યકરોની ધરાર અવગણના થઈ છે. એટલું જ નહીં, અમુક સમાજને પણ પૂરતું પ્રતિનિધિત્વ મળી શક્યું નથી, જેના લીધે અસંતોષની જ્વાળા ભભૂકી છે જેને ઠારવામાં પ્રદેશ ભાજપની નેતાગીરી સફળ રહી નથી. અમદાવાદથી માંડીને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સુધી ભાજપ વિરોધનું ચિત્ર ઉપસ્યું છે. મતદારો ઉમેદવારોને પ્રચાર કરતાં અટકાવી રહ્યા છે. હુરિયો બોલાવી રહ્યા છે. ભાજપના ઉમેદવારોને જાહેરમાં સવાલ પૂછીને કામોનો હિસાબ માંગી રહ્યા છે, અત્યારે સોશિયલ મીડિયામાં ભાજપ વિરોધી માહોલ છવાયો છે. અસંતુષ્ટોના ઇશારે ભાજપ પર માછલાં ધોવાઈ રહ્યા છે. જે કામ વિપક્ષ કરી શક્યું નથી તે કામ અસંતુષ્ટો કરી રહ્યા છે, પરિણામે વિપક્ષ પણ મૂછમાં મલકાઈ રહ્યો છે કેમ કે, અસંતોષની આગ ઠારવવી મુશ્કેલ છે.

આ પણ વાંચો: ચૂંટણી ટાણે મોટો ધડાકો! AAPના પોલિટિકલ ફન્ડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ; કરોડોની હેરાફેરીના પુરાવા મળ્યા

એવું જાણવા મળ્યું છે કે, એક બાજુ, ઇન્ફલુએન્સરોને ભાજપ તરફી ચૂંટણી માહોલ બનાવવા ધૂમ રૂપિયા અપાઈ રહ્યા છે. તો બીજી બાજુ ખુદ મતદારો જ ઇન્ફ્લુએન્સર બનીને ભાજપને ભાંડી રહ્યા છે, જેની પાછળ અસંતુષ્ટોનો જ કાંકરીચાળો જવાબદાર છે. ભાજપને ડર છે કે, જો આ સ્થિતિમાં સુધારો નહીં આવે તો, વિપક્ષને લાભ થાય તો નવાઈ નહીં.