Get The App

અબજોપતિ પાર્ટી ભાજપ ફૂટી કોડી પણ આપતી નથી, કોંગ્રેસને 'કડકાઈ'

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
અબજોપતિ પાર્ટી ભાજપ ફૂટી કોડી પણ આપતી નથી, કોંગ્રેસને 'કડકાઈ' 1 - image

મોટાભાગનાં ઉમેદવારો પદરના ખર્ચે ચૂંટણી લડે છે : લોકસભા-વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોને ફંડ આપતી ભાજપની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં ઉમેદવારો માટે તિજોરી ખૂલતી નથી

રાજકોટ, : દેશની સૌથી ધનવાન પાર્ટી ભાજપ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડતા તેનાં ઉમેદવારોને ફૂટી કોડી પણ આપતી નથી. એટલું જ નહીં ઉમેદવારોને ઝંડી, બેનર, ખેસ પણ વેંચાતા લેવા પડે છે. 

એક અનુમાન મુજબ ભાજપ પાસે હાલમાં 7,000 કરોડથી વધુ રકમનું બેંક બેલેન્સ છે. જો સંપતિ અને બેંક બેલેન્સની વાત કરીએ તો આ આંકડો 10,000 કરોડને પણ વટી જાય તેમ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ભાજપ પોતાની પાસે આટલું જંગી બેંક બેલેન્સ હોવા છતાં તેને સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડતા ઉમેદવારો પાછળ ખર્ચ કરતી નથી. 

કહે છે કે પાર્ટી લોકસભા અને વિધાનસભાનાં ઉમેદવારોને નિશ્ચિત ચૂંટણી ફંડ આપે છે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો માટે પાર્ટીની 'થેલી' ખૂલતી નથી. પરિણામે ઉમેદવારોએ પોતાનાં ખર્ચે જ ચૂંટણી લડવી પડે છે. જો કે મોટાભાગનાં ઉમેદવારો માટે આ ખર્ચો એક ઈન્વેસ્ટમેન્ટ જેવો હોય છે, જે તેમને અનેકગણા વળતર સ્વરૂપે પરત મળે છે એટલે ઉમેદવારોને હોંશે-હોંશે પોતાના ખર્ચે જ ચૂંટણી લડવામાં છોછ હોતો નથી.

હવે વાત કોંગ્રેસની કરીએ તો તેની પાસે પણ ઓછું બેંક બેલેન્સ નથી. પાર્ટી પાસે હાલ રૂ. 850 કરોડથી વધુ રકમનું બેલેન્સ હોવાનું મનાય છે. જો કે, તેનાં અમુક ખાતા પણ ઈન્કમટેક્સ અને બીજી એજન્સીઓએ  ફ્રિઝ કરી કરી નાખ્યા છે, પરિણામે પાછલી કેટલીક ચૂંટણીમાં  પાર્ટી ફંડની તીવ્ર અછત 'અનુભવી' રહી છે. ઉપરાંત, ગુજરાતમાં છેલ્લા ત્રીસેક વર્ષથી કોંગ્રેસ સત્તાથી વંચિત છે. આ સ્થિતિમાં પાર્ટી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડતાં ઉમેદવારોને તેનો ખર્ચો આપે તેવી શક્યતાનો છેદ ઉડી જાય છે. 

ભાજપની પેનલમાં નબળાનો ખર્ચ સધ્ધર ઉમેદવારો પર

ભાજપે જો કે એવી વ્યવસ્થા જરૂર કરી છે કે, પેનલમાં જે કોઈ ઉમેદવાર આર્થિક રીતે સંપન્ન હોય તે બાકીનાં આર્થિક રીતે નબળા ઉમેદવારોનો ખર્ચ ભોગવે. દરેક પેનલમાં એક કે બે ઉમેદવારો (નવા ચહેરા) આર્થિક રીતે નબળા જરૂર હોય છે. પાર્ટીનાં કરોડપતિ-લખપતિ ઉમેદવારો તેનો ખર્ચ ભોગવે છે, જેને કારણે આવા ઉમેદવારો ખર્ચો ભોગવનાર ઉમેદવારોનાં ઉપકારતળે 5 વર્ષ  દબાયેલા પણ રહે છે.