Get The App

ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ

મિલકતો વેચાણ અથવા ભાડાકરાર માટે હવે જિલ્લા કલેક્ટર પાસેથી અશાંતધારાની મંજૂરી લેવી ફરજિયાત

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ 1 - image

વડોદરા, તા.2 વડોદરા શહેરને અડીને આવેલા ભાયલીના કેટલાક વિસ્તારોનો પણ અશાંતધારા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટીપી ૩ અને ૪ વિસ્તારમાં આવતી મિલકતોના વેચાણ અથવા ભાડે આપવા માટે હવે અશાંતધારાની મંજૂરી લેવી ફરજિયાત થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ તાંદલજા વિસ્તારનો જે.પી. રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતો તમામ વિસ્તાર ૨૧ જાન્યુઆરી ૨૦૨૫થી અશાંતધારા વિસ્તારમાં સમાવેશ કરાયો  હતો. આ નિર્ણય બાદ ભાયલીમાં પણ મિલકતોને વિધર્મીઓને વેચાણ મુદ્દે ભારે હોબાળો થયો હતો જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર સમક્ષ આ વિસ્તારમાં અશાંતધારાને લાગુ કરવા માટે અનેક વખત રજૂઆતો સાથે  નાગરિકો દ્વારા આવેદનપત્રો પણ અપાયા હતાં.

દરમિયાન મહેસૂલ વિભાગ દ્વારા તા.૩૦ માર્ચના રોજ એક જાહેરનામું પ્રસિધ્ધ કરીને જે.પી. રોડ પોલીસ સ્ટેશન હદમાં આવતા જે વિસ્તારોનો અશાંતધારામાં પાંચ વર્ષ માટે સમાવેશ કરવામાં આવ્યો  હતો તે વિસ્તારના અડધો કિલોમીટરમાં સમાવેશ થતાં ભાયલી ટીપી ૩ અને ૪ના સમગ્ર વિસ્તારનો પણ અશાંતધારામાં સમાવેશ કરવાનો નિર્ણય જાહેર કરાયો હતો.

કોર્પોરેશનની ચૂંટણી પહેલા સરકારના આ નિર્ણયને પગલે હવે આ વિસ્તારોમાં મિલકતોની થનારી તબદિલી અંગે જિલ્લા કલેક્ટર પાસેથી અશાંતધારાની મંજૂરી મેળવી તેનું સર્ટિફિકેટ લેવું ફરજિયાત થઇ ગયું છે. સબ રજિસ્ટ્રાર કચેરીઓ પણ હવે અશાંતધારાના સર્ટિફિકેટ વગર દસ્તાવેજોની નોંધણી કરી શકે નહી.