Gujarat

સૌરાષ્ટ્ર ઝોનની હેન્ડબોલ સ્પર્ધામાં ભાવનગરની ટીમને બે ગોલ્ડ મેડલ

By GS Team
4 Nov 20192 mins read
This article was originally published on 4 Nov 2019
સૌરાષ્ટ્ર ઝોનની હેન્ડબોલ સ્પર્ધામાં ભાવનગરની ટીમને બે ગોલ્ડ મેડલ
ભાવનગર, તા. 04 નવેમ્બર 2019, સોમવાર

રાજ્યના રમત-ગમત વિભાગ દ્વારા ખેલ મહાકુંભની સૌરાષ્ટ્ર ઝોનની અન્ડર-14 અને 17 બહેનોની હેન્ડબોલ સ્પર્ધાનુ તાજેતરમાં આયોજન કર્યુ હતુ, જેમાં ભાવનગર સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાની ટીમે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાવનગર ગ્રામ્યની બહેનોની ત્રણ ટીમે શાનદાર દેખાવ કરી બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

જામનગર જિલ્લાના સિદસર ખાતે તાજેતરમાં ખેલ મહાકુંભની સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અન્ડર-૧૪ અને અન્ડર-17 બહેનોની હેન્ડબોલ સ્પર્ધાનુ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં ભાવનગર શહેર અને ગ્રામ્ય સહિતની જુદા જુદા જિલ્લાની ટીમે ભાગ લીધો હતો. જિલ્લાકક્ષાએ વિજેતા થયેલ ટીમ અને પસંદગીની એમ બે ટીમે ભાગ લીધો હતો. આ બંને વિભાગની સ્પર્ધા રમાડવામાં આવી હતી, જેમાં અન્ડર-14 બહેનોની હેન્ડબોલ સ્પર્ધામાં ભાવનગર ગ્રામ્યની વિજેતા ટીમની ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી અમરેલીની ડીએલએસએસ ટીમ સામે આશરે પાંચ પોઈન્ટથી વિજય મેળવી ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો.


અન્ડર-17 બહેનોની હેન્ડબોલ સ્પર્ધામાં ભાવનગર ગ્રામ્યની વિજેતા ટીમે ફાઈનલમાં સુંદર દેખાવ કરી ટીમ ચેમ્પિયન બની હતી અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જયારે ભાવનગર ગ્રામ્યની પસંદગી ટીમ ત્રીજા ક્રમે રહી હતી અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ત્રણ મેડલ મળતા ભાવનગર ગ્રામ્યની ખેલાડીઓમાં આનંદની ગણી ફરી વળી હતી. ભાવનગર ગ્રામ્યની ટીમમાંથી રમતા પાલિતાણાની લોક વિદ્યાલય-વાળુકડ ડીએલએસએસના ખેલાડીઓએ ખુબ જ સારૂ પ્રદર્શન કર્યુ હતું. ખેલાડીઓને હેન્ડબોલ કોચ અને ટ્રેનરે માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.