Get The App

ભાવનગર જિ. પં. ના ભાજપ પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર જિ. પં. ના ભાજપ પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ 1 - image

પ્રમુખ બનવા ભાજપના સભ્યો વચ્ચે રસાકસી જામી હતી

જ્ઞાાતી સમીકરણના આધારે પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી, પ્રમુખ-ઉપપ્રમુખનું પદ નહીં મળતા કેટલાક સભ્યોમાં નારાજગીની ચર્ચા

ભાવનગરભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે સોમવારે યોજાય હતી, જેમાં ભાજપના સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે બિનહરીફ જાહેર થયા હતા તેથી ભાજપ કાર્યકરોએ પ્રમુખ-ઉપપ્રમુખની આવકાર્યા હતાં. જ્ઞાાતી સમીકરણના આધારે પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા આજે સોમવારે મળી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જિલ્લા પંચાયતની કુલ ૪૦ બેઠકમાંથી ૩૬ બેઠક પર ભાજપનો વિજય થયો છે તેથી ભાજપની બહુમતી હતી, જેના કારણે કોંગ્રેસ કે અપક્ષના સભ્યોએ ફોર્મ ભર્યા ન હતાં. ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રમુખ તરીકે અશોક લાલજીભાઈ લાધવા (ત્રાપજ બેઠક) અને ઉપપ્રમુખ તરીકે સુજાનસિંહ મલુજી ગોહિલ (ઉમરાળા બેઠક)ના નામ જાહેર કરવામાં આવ્યા હતા તેથી ભાજપ સભ્યોમાં આનંદની લાગણી ફરી વળી હતી. પ્રમુખ-ઉપપ્રમુખને ભાજપ આગેવાન-કાર્યકરોએ ફુલ-હાર કરી બિરદાવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે પુરૃષ સભ્ય જનરલ વિભાગમાંથી જાહેર કરવાના હતા તેથી પ્રમુખના હોદ્દો મેળવવા માટે ભાજપના જ કેટલાક સભ્યો વચ્ચે ભારે રસાકસી જામી હતી પરંતુ કેટલાક નેતાઓની ભલામણના પગલે અંતે અશોક લાધવાને પ્રમુખ પદ મળ્યું હતુ, જેના કારણે પ્રમુખ પદના અન્ય દાવેદાર સભ્યોમાં નારાજગી હોવાનુ કાર્યકરોમાં ચર્ચાય રહ્યુ છે. આજે સભામાં કેટલાક નારાજ સભ્યોના મોઢા પડી ગયા હતા પરંતુ ભાજપે સભ્યોને મનાવી લીધા હોવાનુ કહેવાય છે. ઉપપ્રમુખ પણ પ્રમુખની બનવાની રેસમાં હોવાનુ જાણવા મળેલ છે. 

પ્રમુખ-ઉપપ્રમુખની નિમણુંકમાં રાષ્ટ્રગીત ભુલાયું !

ભાવનગર જિલ્લા પંચાયતની સાધારણ સભા દરમિયાન રાષ્ટ્રગીત વગાડવામાં આવતુ હોય છે પરંતુ આજે સાધારણ સભામાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યુ ન હતુ તેથી ચર્ચાનો દૌર જામ્યો હતો. પ્રમુખ-ઉપપ્રમુખની નિમણુંકમાં સરકારી તંત્ર રાષ્ટ્રગીત ભુલી ગયા હોવાનુ કહેવાય છે ત્યારે આવી ભુલ ફરી ન થાય તે ધ્યાન રાખવુ જરૃરી છે.

પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ર૬ દિવસનો વિલંબ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ ગત તા. ર૮ એપ્રિલે જાહેર કરવામાં આવ્યુ હતું. આ ચૂંટણી બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી કરવાની હોય છેે. મોટાભાગે થોડા દિવસમાં સાધારણ સભા બોલાવી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે ર૬ દિવસના વિલંબ બાદ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થઈ છે ત્યારે હવે કામગીરી ઝડપ રાખવી જરૃરી છે.

ઘણાં વર્ષ બાદ બ્રહ્મ સમાજમાંથી પ્રમુખની નિમણુંક

ભાવનગર જિલ્લા પંચાયતમાં જ્ઞાાતી સમીકરણના આધારે પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુંક કરવામાં આવી છે, જેમાં ઘણાં વર્ષ બાદ પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજમાંથી સભ્યની નિમણુંક કરવામાં આવી છે. પ્રમુખ પલેવાળ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને ઉપપ્રમુખ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. આ બંને સમાજમાં ઉત્સાહની લાગણી ફરી વળી છે.