Get The App

VIDEO | ભાલના પ્રખ્યાત ચણાની બજારમાં ધમાકેદાર એન્ટ્રી: ધંધુકા APMCમાં હરાજીનો પ્રારંભ, ₹1311 સુધીના ભાવ બોલાયા

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO | ભાલના પ્રખ્યાત ચણાની બજારમાં ધમાકેદાર એન્ટ્રી: ધંધુકા APMCમાં હરાજીનો પ્રારંભ, ₹1311 સુધીના ભાવ બોલાયા 1 - image


Dhandhuka APMC Market : ગુજરાતના પ્રખ્યાત ભાલ પંથકના ખેડૂતો માટે લાંબા સમયની રાહનો અંત આવ્યો છે. આજે શુક્રવાર(20 ફેબ્રુઆરી, 2026)થી ધંધુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે ચણાની જાહેર હરાજીનો વિધિવત અને ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. ચણાની નવી આવક શરૂ થતા જ માર્કેટ યાર્ડ ખેડૂતો અને વેપારીઓની ચહલપહલથી ગુંજી ઉઠ્યું હતું.


મહાનુભાવોની ઉપસ્થિતિમાં હરાજીના શ્રીગણેશ

આજના પ્રથમ દિવસની હરાજી પ્રસંગે ધંધુકા APMCના ચેરમેન તથા વાઇસ ચેરમેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંસ્થાના ડિરેક્ટરો, અગ્રણી વેપારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ બાદ હરાજીની શરૂઆત કરવામાં આવી હતી.

VIDEO | ભાલના પ્રખ્યાત ચણાની બજારમાં ધમાકેદાર એન્ટ્રી: ધંધુકા APMCમાં હરાજીનો પ્રારંભ, ₹1311 સુધીના ભાવ બોલાયા 2 - image

પ્રથમ દિવસે જ જોવા મળ્યો ભારે ઉત્સાહ

હરાજીના પ્રથમ દિવસે જ બજારમાં અંદાજે 210 ક્વિન્ટલ ચણાની આવક નોંધાઈ હતી. ખેડૂતોને તેમની મહેનતના સારા ભાવ મળી રહેતા સંતોષ જોવા મળ્યો હતો. ચણાની ગુણવત્તા પ્રમાણે ભાવ આપવામાં આવી રહ્યો છે. આજના સોદા દરમિયાન બજારના ભાવ નીચે મુજબ રહ્યા હતા.

મહત્તમ ભાવ: ₹1311 (પ્રતિ મણ)

લઘુતમ ભાવ: ₹1051 (પ્રતિ મણ)

આ પણ વાંચો: ચિંતાજનક આંકડા: ગુજરાતના લોકો પર માથાદીઠ દેવું રૂ. 65,100; આવક કરતાં અઢી ગણું દેવું

કેમ ખાસ છે ભાલના ચણા?

ભાલ પંથક તેની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ અને કુદરતી ભેજવાળી જમીન માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં થતા ચણા તેની ખાસ ગુણવત્તા, કદ અને સ્વાદ માટે જાણીતા છે. કુદરતી ભેજમાં તૈયાર થયેલા આ પાકની બજારમાં હંમેશા વધુ માંગ રહેતી હોય છે. સિઝનની શરૂઆતમાં જ સારા ભાવ મળતા ખેડૂતોમાં આગામી દિવસોમાં વધુ આવક થવાની આશા બંધાઈ છે.