Get The App

ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને સુપ્રીમ કોર્ટની રાહત, સ્ટેટસ ક્વૉ જાળવવા નિર્દેશ, વધુ સુનાવણી 6 એપ્રિલે

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને સુપ્રીમ કોર્ટની રાહત, સ્ટેટસ ક્વૉ જાળવવા નિર્દેશ, વધુ સુનાવણી 6 એપ્રિલે 1 - image

Ahmedabad Bhadra Patharanavala Case: અમદાવાદ શહેરના ભદ્રમાં પાથરણાવાળાના પક્ષમાં આપેલા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટે ભદ્ર પરિસરમાં કાયદેસરના ફેરિયા માટે 'સ્ટેટસ ક્વો' એટલે કે હાલની સ્થિતિ યથાવત્ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, ભદ્ર પરિસર સહિતના જાહેર માર્ગો પર ફેરિયા પર વેપાર કરવાનો પ્રતિબંધ મૂકાયો છે, પરંતુ જે ફેરિયા ફૂટપાથ પર કાયદેસર રીતે વેચાણ કરે છે તે સ્થિતિ યથાવત્ રહેશે.

આ સુનાવણીમાં હાજર સેવા સંસ્થાના સભ્યએ જણાવ્યું કે, 'હાઈકોર્ટના ચુકાદા ઉપર સ્ટે આપવાની જે વાતો ચાલે છે તે તદ્દન ખોટી છે. કોર્ટે એવું ક્યાંય નથી કીધું કે તેઓ હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપે છે. તેમણે તો માત્ર એટલું જ જણાવ્યું છે કે જે 177 લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેરિફાઈ કરીને ત્યાં બેસાડવામાં આવ્યા છે, તેમને ત્યાંથી અત્યારે ખસેડવા નહીં. આ સ્થિતિ એટલે કે 'સ્ટેટસ ક્વો' આગામી છઠ્ઠી તારીખ સુધી જાળવી રાખવાનો નિર્દેશ કરાયો છે. એ સિવાય કોર્ટે બીજું કંઈ જ કહ્યું નથી.'

સેવા સંસ્થાના સભ્યે વધુમાં કહ્યું કે, 'કોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દલીલ જ એવી હતી કે, આ પાથરણાવાળા લોકોને કારણે ત્યાં નડતર થાય છે, પરંતુ કોર્પોરેશન સુપ્રીમ કોર્ટના સપ્ટેમ્બર 2025ના જે રોડ સેફટીના ચુકાદાની વાતો કરે છે, તેવી કોઈ વાત કોર્ટમાં કરાઈ નથી. એમણે ભલે પોતાની અરજીમાં ઘણું ટાંક્યું હોય, પણ કોર્ટમાં આવી કોઈ ચર્ચા થઈ નથી. હકીકતમાં અગાઉનો હુકમ 260 લોકોને બેસાડવા અને બાકીના લાયસન્સ વગરના 112 લોકોનું વેરિફિકેશન કરીને લાયસન્સ આપવા બાબતે હતો, જેના પર કોઈ સ્ટે અપાયો નથી. કોર્ટે ફક્ત એ જ વાત સ્પષ્ટ કરી છે કે જેમને આઈડેન્ટિફાય કરાયા છે તેમને હાલ પૂરતા ત્યાંથી ખસેડવા નહીં.'

ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને સુપ્રીમ કોર્ટની રાહત, સ્ટેટસ ક્વૉ જાળવવા નિર્દેશ, વધુ સુનાવણી 6 એપ્રિલે 2 - image

ગ્રાઉન્ડ પર હાલની સ્થિતિ જાળવી રાખવાનો SCનો નિર્દેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. તેમણે અમદાવાદના સૌથી ગીચ અને ઐતિહાસિક રીતે સંવેદનશીલ એવા આ વિસ્તારમાં વેન્ડિંગની મંજૂરી આપવાથી જાહેર સુરક્ષા, ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા પર પડનારી ગંભીર અસરો વિશે પ્રકાશ પાડ્યો હતો. જો કે, સ્થિતિની ગંભીરતાને સ્વીકારીને સુપ્રીમ કોર્ટે ગ્રાઉન્ડ પર હાલની સ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને સુપ્રીમ કોર્ટની રાહત, સ્ટેટસ ક્વૉ જાળવવા નિર્દેશ, વધુ સુનાવણી 6 એપ્રિલે 3 - image

શું છે સમગ્ર કેસ?

આજથી એક દાયકા પહેલાં અમદાવાદના ભદ્ર વિસ્તારમાં વર્ષોથી ધંધો કરતા પાથરણાવાળા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વચ્ચેના સંઘર્ષ શરૂ થયો હતો. વર્ષ 2014માં ભદ્ર પ્લાઝાના વિકાસ માટે કોર્પોરેશને ભદ્ર મંદિરની આસપાસ બેરિકેડ્સ લગાવીને રસ્તા ખોદવાનું શરૂ કર્યું, ત્યારે પેઢીઓથી ત્યાં વ્યવસાય કરતાં પાથરણાવાળાની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો હતો. આ વિવાદમાં 'સેવા' (SEWA) અને 'સેલો' (SELO) જેવી સંસ્થાઓએ 60-70 વર્ષ જૂના પુરાવા અને 2014ના ફેરિયા અંગેના કાયદાના આધારે પાથરણાવાળાના હક માટે જાહેર હિતની અરજી દાખલ કરીને કાયદાકીય લડત શરૂ કરી હતી.

આ અંગે થોડા દિવસ અગાઉ ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 586 પાથરણાવાળા કે જેમને પ્રમાણપત્રો જાહેર કર્યા હતા. તેમને 21મી માર્ચ સુધીમાં ભદ્ર પરિસરમાં ફરીવાર પુનઃ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે જે પાથરણાવાળા કે જેમને પ્રમાણપત્ર મળ્યા છે, તેમનું વેરિફિકેશન એક સપ્તાહના સમયગાળામાં કરવાનો આદેશ આપ્યો હતો.

જો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને સુપ્રીમ કોર્ટની રાહત, સ્ટેટસ ક્વૉ જાળવવા નિર્દેશ, વધુ સુનાવણી 6 એપ્રિલે 4 - image