Get The App

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી

પાણીપુરીવાળાને માત્ર એક હજારનો દંડ તંત્રની ઝૂંબેશ માત્ર કાગળ ઉપર

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી 1 - image

       

 અમદાવાદ,શનિવાર,16 મે,2026

અમદાવાદમા રહેતા હોવ અને બહારની પાણી પુરી ખાવાનો ચસ્કો હોય તો પહેલા ચેતજો.રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળવાની યુવતીની ફરિયાદ પછી દોડતા થયેલા મ્યુનિસિપલ હેલ્થ વિભાગે લારી જપ્ત કરી પાણીપુરી વાળાને માત્ર એક હજારનો દંડ કર્યો છે.

શહેરમાં  છેલ્લા ઘણાં સમયથી ખાદ્યચીજોમાંથી જીવ-જંતુ નીકળવાનો સિલસીલો ચાલી રહયો છે.રાણીપ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ભેલ પકોડી ખાતે પાણીપુરી ખાવા ગયેલી યુવતીની પકોડીમાંથી હાડકું નીકળતા ચકચાર મચી ગઈ હતી.યુવતીએ આ ઘટના અંગેનો વિડિયો સોશિયલ મિડીયા ઉપર  શુક્રવારે મોડી સાંજે વાઈરલ કર્યા પછી શનિવારે બપોરે હેલ્થ વિભાગ સફાળુ જાગ્યુ હતુ.વાઈરલ થયેલા વિડીયોમાં યુવતીએ ગંભીર આક્ષેપ કર્યા હતા.યુવતીના જણાવ્યા મુજબ,તે અને તેની માતા પાણીપુરી ખાવા ગયા હતા.તેની માતાએ પાણીપુરી ખાધી તે સમયે તેમાંથી વાળ નીકળતા તેને સામાન્ય ગણીને નજર અંદાજ કર્યો હતો.જયારે છેલ્લી પાણીપુરી ખાવામા આવી તેમાંથી હાડકું નીકળતા અમે ચોંકી ઉઠયા હતા.હાડકા અંગે સ્ટોલ ચાલકને જાણ કરતા તેણે કહયુ,હાડકું નથી.લાકડાનો ટુકડો છે.સત્ય છુપાવવા સંચાલકે તેને કાપવા પ્રયાસ કર્યો હતો પણ કાપી શકાયુ નહોતુ.અંતે પોલ ખુલી જતા તેણે માફી માંગી કયાંકથી ઉડીને આવી ગયુ હશે એવો ઉડાઉ જવાબ આપ્યો હતો.આરોગ્ય અધિકારી ડોકટર તેજસશાહના કહેવા મુજબ પાણીપુરીવાળાની લારી ઉપાડી લેવામા આવી છે. અહી પ્રશ્ન એ છે કે,શહેરમાં આવી અનેક રેંકડી છે એનુ શું?

પાણીપુરી સામેની ઝૂંબેશ માત્ર કાગળ ઉપર

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ છેલ્લા ઘણાં સમયથી શહેરના તમામ સાત ઝોનમાં વેચાતી પાણીપુરીની લારીઓ સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલી છે. પાણીપુરીવાળા તરફથી આપવામા આવતા પાણી તેમજ બટકાના માવા અને રગડા સહિતની ગુણવત્તા કેવી છે તેનો ફીડબેક લોકો પાસેથી મેળવવા કયુઆર કોડ સિસ્ટમ લાગૂ કરવા સુચના આપેલી છે.બુધવારે તમામ ખાદ્યચીજો વેચતી રેંકડી ઉપર કયુઆર કોડ સિસ્ટમથી ફીડબેક મેળવવા અને સઘન તપાસ કરવા આપેલી સુચનાને પણ હેલ્થ વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામા આવ્યા છે.