Gujarat

૪૭૭ કરોડના મેફેડ્રોન ડ્રગ્સ કાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર

By GS TEAM
21 Apr 20261 min read
૪૭૭ કરોડના મેફેડ્રોન ડ્રગ્સ કાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર

વડોદરા : સિંધરોટમાં રેડ પાડી રૃા.૪૭૭ કરોડનું મેફેડ્રોન ડ્રગ્ઝ કબજે કરવાના ચકચારી બનવામાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આ કેસમાં પકડાયેલ મુદ્દામાલનું પ્રમાણ ખૂબ જ મોટું અને ગંભીર પ્રકારનું છે.એન.ડી.પી.એસ. જેવા ગંભીર ગુનાઓમાં માત્ર લાંબા સમયના જેલવાસને જામીન માટેનો આધાર બનાવી શકાય નહીં.

કેસની વિગત એવી છે કે, એટીએસની ટીમે બાતમીના આધારે વર્ષ ૨૦૨૨માં સિંધરોટ વિસ્તારમાં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે તૈયાર કરાયેલું ૮૦ કિલોથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું લિક્વિડ ઝડપી પાડયું હતું. આ માદક પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૃા. ૪૭૭.૩૮ કરોડ જેટલી થતી હતી.આ કેસમાં ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી વિનોદ ઉર્ફે પપ્પુ રમણભાઈ નિજામામાછીએ  ચાર્જશીટ બાદ જામીન અરજી મૂકી હતી.

જામીન અરજીની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે,આ કેસમાં અન્ય બે સહ-આરોપીઓને સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટે  જામીન આપ્યા હોવાથી સમાનતાના ધોરણે અરજદારને પણ જામીન મળવા જોઈએ. જ્યારે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, અરજદાર સ્થળ પરથી મુદ્દામાલ સાથે ઝડપાયો છે. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે,અરજદારનો રોલ અન્ય જામીનમુક્ત આરોપીઓ કરતા ભિન્ન હોવાથી સમાનતાનો સિદ્ધાંત અહીં લાગુ પડતો નથી.