Get The App

૧.૫૮ કરોડની છેતરપિડીં કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર

સાઇબર ગઠીયાઓએ વૃદ્ધને ૪૫ દિવસ ડિઝીટલ એરેસ્ટ કર્યા હતા

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
૧.૫૮ કરોડની છેતરપિડીં કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર 1 - image

વડોદરા : મુંબઇ પોલીસની ઓળખ આપી તમે મની લોન્ડરિંગના કેસમાં સંડોવાયેલા છે તેમ જણાવી વડોદરામાં રહેલા વૃદ્ધને સતત ૪૫ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૃા.૧.૫૮ કરોડની રકમ પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, ડિજિટલ અરેસ્ટ સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને આવા કિસ્સામાં આરોપીને મુક્ત કરવાથી પુરાવા સાથે ચેડા થવાની શક્યતા છે.

કેસની વિગત એવી છે કે, ગઠીયાઓએ પૂર્વયોજીત કાવતરું રચી વૃદ્ધને મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાનો ડર બતાવ્યો હતો. આરોપીઓએ પોતાની ઓળખ મુંબઈ પોલીસના ડીસીપી અને દિલ્હીના પ્રખ્યાત વકીલ તરીકે આપીને ફરિયાદીને સતત ૪૫ દિવસ સુધી તેમના જ ઘરમાં ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા. આ સમયગાળા દરમિયાન આરોપીઓએ ઈડી અને સુપ્રિમકોર્ટના નામે બોગસ લેટર્સ મોકલી તપાસના બહાને ફરિયાદી પાસેથી કુલ રૃા. ૧,૫૯,૯૯,૯૭૪ પડાવી લીધા હતા અને તે પૈકી એક લાખ પરત કર્યા હતા.

આ ગુનામાં પોલીસે આરોપી મહેન્દ્રકુમાર ગંગારામ મેઘવાલની ધરપકડ કરી હતી અને તેણે જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે,આવા ગંભીર આર્થિક ગુનામાં જો આરોપીને જામીન આપવામાં આવે તો સમાજમાં તેની વિપરીત અસર પડશે. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે, ચર્જશીટ દાખલ થવાથી ગુનાની ગંભીરતામાં કોઈ ઘટાડો થતો નથી.