Baby Monkey Rescued Near Saraspur Temple: અમદાવાદમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે સરસપુર વિસ્તારમાં એક માસૂમ અબોલ જીવને નવજીવન મળ્યું છે. સરસપુરના મહાકાળી મંદિર પાસે પોતાની માતાથી વિખૂટું પડી ગયેલું એક વાંદરાનું બચ્ચું(વાનરબાળ) કલાકો સુધી અસહ્ય તાપમાં વલખાં મારતું હતું. ગરમી અને તરસથી વ્યાકુળ આ નાનું બચ્ચું સતત રડી રહ્યું હતું, જેના પર સ્થાનિક રહીશો અને મંદિરના પૂજારીની નજર પડી હતી. વાનરબાળની આ ગંભીર સ્થિતિ જોઈને તેમણે તાત્કાલિક એનિમલ રેસ્કયૂ ટીમનો સંપર્ક કર્યો હતો.
એનિમલ લાઈફ કેર'ની રેસ્કયૂ ટીમે સારવાર કરી
સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા જ 'એનિમલ લાઈફ કેર'ની રેસ્કયૂ ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે કાળજીપૂર્વક ઓપરેશન હાથ ધરીને બચ્ચાને સુરક્ષિત રીતે બચાવી લેવાયું હતું. રેસ્કયૂ ટીમના જણાવ્યા મુજબ માતાથી અલગ થઈ જવાને કારણે વાનરબાળ ખૂબ જ ડરેલું હતું અને કાળઝાળ ગરમીને લીધે તે ડિહાઈડ્રેશનનો ભોગ બનીને અતિશય નબળું પડી ગયું હતું. ટીમે સમયસૂચકતા વાપરીને સ્થળ પર જ તેને પ્રાથમિક સારવાર આપી, પાણી અને જરૂરી ખોરાક ખવડાવી તેને નવજીવન આપ્યું હતું.
વાનરબાળને વન વિભાગને સોંપવામાં આવ્યું
આ સફળ રેસ્કયૂ ઓપરેશન બાદ, માસૂમ વાનરબાળને વધુ સારવાર, યોગ્ય દેખરેખ અને પુનર્વસન માટે વન વિભાગને સોંપવામાં આવ્યું છે. ઉનાળાની આવી આકરી ઋતુમાં રેસ્કયૂ ટીમની આ ત્વરિત કામગીરીને સ્થાનિક લોકોએ ખુલ્લા દિલથી બિરદાવી હતી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે માનવતા હજુ જીવંત છે. ઉનાળાની આ આકરી ગરમીમાં મૂંગા પશુ-પક્ષીઓ માટે આવી જીવદયા ખરેખર પ્રશંસનીય છે!


