Get The App

'બહાર નીકળો નહીંતર લાશો પડી જશે', અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત DySPએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
'બહાર નીકળો નહીંતર લાશો પડી જશે', અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત DySPએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું 1 - image

Ahmedabad Retired DySP 5 Rounds Fired: અમદાવાદ નેહરુનગર વિસ્તારમાં બુધવારે જમીનના વિવાદને પગલે એક નિવૃત્ત ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. બે જૂથો વચ્ચે ચાલી રહેલા જમીન સંબંધી વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આ ઘટના ઘટી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

એક પછી એક એમ પાંચ રાઉન્ડ ફાયર કર્યા

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિવાદિત જમીન પર બંને પક્ષોના આશરે પાંચથી છ લોકો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. આ વિવાદ એટલો વધી ગયો કે ત્યાં હાજર નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણે પોતાની પિસ્તોલ કાઢીને હવામાં એક પછી એક એમ પાંચ રાઉન્ડ ( બે રાઉન્ડ નીચે જમીનમાં અને ત્રણ રાઉન્ડ ઉપર હવામાં) ફાયરિંગ કરી દીધું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ગંભીર ઈજા થઈ નથી.

'બહાર નીકળો નહીંતર લાશો પડી જશે', અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત DySPએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું 2 - image

'અહીં થી બહાર નીકળો નહીંતર લાશો પડી જશે'

ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણ કહી રહ્યા છે કે મારી મંજૂરી વગર આ પ્રોપર્ટીમાં તમે પગ કેવી રીતે મૂક્યો, બહાર નીકળો નહીંતર લાશો પડી જશે, કોર્ટમાં મળીશું, તેમ કહી એક બાદ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરે છે. 

અંદાજે 10 જેટલા લોકોને પૂછપરછ

અમદાવાદ શહેરની વચ્ચે ધોળે દિવસે ફાયરિંગની ઘટના બનતા જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા જ સેટેલાઇટ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે બંને પક્ષના અંદાજે 10 જેટલા લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન ભેગા કર્યા હતા.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં પ્રોહિબિશનના વિવિધ કેસોમાં જપ્ત કરાયેલો ₹2.31 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાયો

નિવૃત્ત ડીવાયએસપી સામે આ ફાયરિંગ કરવા બદલ સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ફાયરિંગ માટે વપરાયેલી પિસ્તોલને કબજે કરવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ બંને પક્ષોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ઘટનાની સત્યતા તપાસવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. આ જમીનની માલિકી અને કબજા અંગેના વિવાદની ઉંડાણપૂર્વક તપાસ ચાલુ છે.