Get The App

સરગવાડા ગામમાં તંત્ર જાગ્યું, 100 જેટલા ગેરકાયદે કનેક્શન કાપવાની કામગીરી શરૂ

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
સરગવાડા ગામમાં તંત્ર જાગ્યું, 100 જેટલા ગેરકાયદે કનેક્શન કાપવાની કામગીરી શરૂ 1 - image

- 15 'દિથી  પાણી માટે વલખાં મારતી મહિલાઓના આક્રોશ બાદ

- મુખ્ય પાઈપલાઈનમાં ગાબડાં પાડી લેવાયેલા ગેરકાયદે જોડાણોને કારણે છેવાડાના વિસ્તારો પાણી વિહોણા બન્યા

બગોદરા : ધોળકા તાલુકાના સરગવાડા ગામમાં છેલ્લા બે અઠવાડિયાથી પીવાના પાણીની સર્જાયેલી વિકટ સમસ્યાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉનાળાના પ્રારંભે જ ગામમાં પાણીનો પૂરતો જથ્થો ન પહોંચતા સ્થાનિક મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. 

આ આક્રોશને પગલે જાગેલા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ભોળાદ ગામ પાસે પસાર થતી મુખ્ય પાઈપલાઈનમાંથી અંદાજે ૧૦૦ જેટલા ગેરકાયદે કનેક્શન લેવામાં આવ્યા હોવાનું ખૂલ્યું છે, જેના કારણે સરગવાડાના છેવાડાના ઘરો સુધી પાણી પહોંચતું અટકી ગયું હતું.

હાલમાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ ગેરકાયદે જોડાણો કાપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જોકે, આટલા મોટા પાયે થયેલી ચોરી સામે ગ્રામજનો વેધક સવાલો કરી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે ૧૦૦ જેટલા કનેક્શન થઈ ગયા ત્યાં સુધી જવાબદાર અધિકારીઓ કેમ ઊંઘતા રહ્યા? શું આમાં કોઈની મિલીભગત છે? ૧૫ દિવસ સુધી જનતાને હેરાન કર્યા બાદ જ કેમ પગલાં લેવાયા? સ્થાનિકોએ હવે આવા તત્વો સામે માત્ર કનેક્શન કાપવા જ નહીં પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.