Gujarat

ફરિયાદ નિવારણ કાર્યક્રમ મ્યુનિ.નો છતાં શહેર ભાજપ પ્રમુખને પત્ર લખાતા વિવાદ

By GS Team
28 Feb 20222 mins read
This article was originally published on 28 Feb 2022
ફરિયાદ નિવારણ કાર્યક્રમ મ્યુનિ.નો છતાં શહેર ભાજપ પ્રમુખને પત્ર લખાતા વિવાદ

અમદાવાદ,રવિવાર,27 ફેબ્રુ,2022

અમદાવાદ મ્યુનિ.દ્વારા મિલકત વેરાની આવક વધારવા હાલ બાકી કર ભરનારા મિલકત ધારકોને રીબેટ આપવામાં આવી રહ્યું છે.દરમ્યાન પ્રોપર્ટીટેકસ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગે મ્યુનિ.ના રેવન્યુ કમિટીના ચેરમેને શહેર ભાજપને ઉદ્દેશીને લખેલો પત્ર સોશિયલ મિડીયામાં વાઈરલ થતા મ્યુનિ.હોદ્દેદારો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જવા પામ્યા છે.

૩૧ માર્ચ-૨૦૨૨ સુધીમાં મ્યુનિ.ના ટેકસ વિભાગને મિલકતવેરા પેટે રુપિયા ૧૧૩૦ કરોડની આવક મેળવવાની છે.હાલમાં બાકી મિલકતવેરાની ભરપાઈ કરનારા કરદાતાઓને રીબેટ આપવામાં આવી રહ્યુ છે.૨૪ ફેબુ્આરી સુધીમાં મિલકતવેરા પેટે રુપિયા ૯૪૪.૦૯ કરોડની આવક થવા પામી છે.પ્રોફેશનલ ટેકસ પેટે ૧૭૪.૧૧ કરોડ તથા વ્હીકલ ટેકસ પેટે રુપિયા ૧૧૬.૫૦ કરોડની આવક એમ કુલ મળી મ્યુનિ.ને તમામ ટેકસની ૧૨૩૪.૭૦ કરોડ આવક ૨૪ ફેબુ્આરી સુધીમાં થવા પામી છે.૨૪ ફેબુ્આરી સુધીમાં સાત ઝોનમાં બાકી મિલકત વેરો વસૂલવા ૭૩૭૧ મિલકત સીલ કરાયા પણ ધારી આવક થવા પામી નથી.

રીબેટ યોજના તથા બાકી વેરાવાળી મિલકત સીલ કરાયા બાદ પણ મ્યુનિ.ની પ્રોપર્ટીટેકસની આવક ટારગેટ પ્રમાણે નહીં થાય એમ લાગતા મ્યુનિ.ની રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે ભાજપના શહેર પ્રમુખ અમિત શાહને ઉદ્દેશીને ૪ માર્ચ-૨૦૨૨ના રોજ શહેરના શહેરના કરદાતાઓની ટેકસ સંબંધી ફરિયાદના નિવારણ અંગે રાખવામાં આવેલા કાર્યક્રમને સફળ બનાવવા વિનંતી કરતો લખેલો પત્ર સોશિયલ મિડીયામાં વાઈરલ થતા મ્યુનિ.ભાજપમાં હોબાળો મચી જવા પામ્યો છે.શહેરના મેયર ,ડેપ્યુટી મેયર,સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને મ્યુનિ.ના પ્રભારી ધર્મેન્દ્ર શાહને ફરિયાદ નિવારણ કાર્યક્રમ સંબંધે જાણ કરવાના બદલે શહેર ભાજપ પ્રમુખને કેમ પત્ર લખાયો?કોના ઈશારે વગેરે સહિતના સવાલો સોશિયલ મિડીયામાં વાઈરલ થયેલા પત્ર બાદ ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યા છે.