Get The App

VIDEO | 'કેસર' કેરીના 'કેસરી' રક્ષક: ધારીના ઝર ગામમાં સિંહ પરિવાર બન્યો આંબાવાડીનો ચોકીદાર, ભાગ્યે જ જોવા મળે તેવા દ્રશ્યો

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
Asiatic Lions Guarding Mango Orchards Amreli

Asiatic Lions Guarding Mango Orchards Amreli: સામાન્ય રીતે આંબાના બગીચામાં મોંઘી કેરીની ચોરી ન થાય તે માટે માલિકો મજૂરો રાખતા હોય છે અથવા કાંટાળી વાડ કરતા હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝર ગામમાં કંઈક એવો નજારો જોવા મળી રહ્યો છે, જે સાંભળીને તમે પણ દંગ રહી જશો. અહીં કેસર કેરીના બગીચાની રખેવાળી કોઈ માણસ નહીં, પણ જંગલનો રાજા સિંહ કરી રહ્યો છે!

ઠંડી છાયામાં આરામ અને રાત્રે કડક પહેરો

ધારી પંથકની સીમ અત્યારે કેસર કેરીની મધમધતી સુગંધથી મહેકી રહી છે. ઝર ગામની એક આંબાવાડી અત્યારે સિંહ પરિવારનું કાયમી સરનામું બની ગઈ છે. અહીં એક સિંહણ અને તેના 3 બચ્ચાએ ડેરો જમાવ્યો છે. નવાઈની વાત એ છે કે આ સિંહો દિવસે આંબાના ઘટાટોપ વૃક્ષો નીચે ઠંડી હવામાં આરામ કરે છે અને રાત્રે આખા બગીચામાં લટાર મારીને જાણે પહેરો ભરતા હોય તેવું દ્રશ્ય સર્જાય છે.

સાવજ બન્યા ખેડૂતોના રક્ષક

આંબાવાડીમાં સિંહની હાજરીને કારણે માલિકો અને ઇજારદારોને મોટો ફાયદો થયો છે. સિંહના ડરથી કેરીના પાકને નુકસાન પહોંચાડતા ભૂંડ અને નીલગાય જેવા જંગલી જાનવરો હવે વાડીની આસપાસ પણ ફરકતા નથી. જેના કારણે કેરીના પાકને કોઈ નુકસાન થતું નથી. વાડીના માલિકો માટે આ સાવજ હવે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યા છે. વાડી માલિકનું કહેવું છે કે, "સિંહની હાજરીથી જંગલી જનાવરોનો ત્રાસ નાબૂદ થઈ ગયો છે, જેની સીધી પોઝિટિવ અસર કેરીના પાક પર જોવા મળી રહી છે."

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

માનવ અને વન્યજીવ વચ્ચેનો અનોખો તાલમેલ

ગીરમાં સિંહ અને મનુષ્ય વચ્ચેના સહ-અસ્તિત્વના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ આ દ્રશ્ય ખરેખર અદભૂત છે. અહીં મજૂરો અને સિંહ પરિવાર વચ્ચે એક અનોખો મૈત્રીપૂર્ણ વ્યવહાર જોવા મળે છે. જો વન્યજીવોને છંછેડવામાં ન આવે, તો તેઓ મનુષ્ય માટે રક્ષક બની શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

હાલ તો સોશિયલ મીડિયામાં આ 'સાવજ સિક્યોરિટી'ની જોરદાર ચર્ચા ચાલી રહી છે. ગીરની આ ધરતી પર જ આવો અદભૂત નજારો શક્ય છે, જ્યાં આંબા પર કેસર પાકે છે અને ડાલામથ્થો સાવજ તેની ચોકી કરે છે!