Vadodara News: વડોદરામાં પોલીસ વિભાગના એક કર્મચારીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં ASI તરીકે ફરજ બજાવતા કર્મચારીએ નિવૃત્તિના આડે માત્ર છ મહિના બાકી હતા, ત્યારે જ આ અંતિમ પગલું ભરી લેતા પોલીસ બેડામાં ભારે ચર્ચા અને શોકનું મોજું ફરી વળ્યું છે.
બપોરે આરામ કરવા ગયા અને રૂમમાં જ ફાંસો ખાધો
મળતી માહિતી અનુસાર, તરસાલીની અનુ સોસાયટીમાં રહેતા 57 વર્ષીય કૃષ્ણકાંત સોરઠીયા પોલીસ હેડ ક્વાટર્સના મોટર ટ્રાન્સપોર્ટ (MT) વિભાગમાં એ.એસ.આઈ. તરીકે નોકરી કરતા હતા. ગુરુવારે (12મી માર્ચ) તે નિયમ મુજબ પોતાની નોકરી પૂર્ણ કરી ઘરે આવ્યા હતા. બપોરે જમીને તેઓ પોતાના રૂમમાં આરામ કરવા ગયા હતા. દરરોજ તેઓ સાંજે ચાર વાગ્યે ફરી નોકરી પર જવા રવાના થતા હતા, પરંતુ ગઈકાલે ચાર વાગ્યા હોવા છતાં તેઓ રૂમની બહાર આવ્યા નહોતા.
આ પણ વાંચો: વડોદરા: નશામાં ધૂત પિતા-પુત્રના ઝઘડામાં પોલીસની 112 ટીમ હુમલો, બેની ધરપકડ
કૃષ્ણકાંતભાઈ ચાર વાગ્યે ન જાગતા તેમની પુત્રવધૂ તેમને જગાડવા માટે રૂમમાં ગયા હતા. રૂમમાં પ્રવેશતા જ તેમણે કૃષ્ણકાંતભાઈને દુપટ્ટા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા તેમના હોશ ઊડી ગયા હતા. તેમણે તાત્કાલિક પરિવારના અન્ય સભ્યોને જાણ કરી હતી, જેના પગલે સોસાયટીમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી.
પોલીસ તપાસમાં કોઈ 'સુસાઈડ નોટ' મળી નથી
બનાવની જાણ થતા જ મકરપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારી કાયદેસરની કાર્યવાહી બાદ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. પ્રાથમિક તપાસમાં પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, તેમજ તેમના મોબાઈલ ફોનમાંથી પણ કોઈ શંકાસ્પદ મેસેજ કે માહિતી સાંપડી નથી.


