Gujarat

ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયા 5.40 લાખના દાગીના લઇ ફરાર

By GS Team
13 Oct 20252 mins read
This article was originally published on 13 Oct 2025
ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયા 5.40 લાખના દાગીના લઇ ફરાર

જેતપુરની મુખ્ય બજારમાં ધોળે દિવસે ચોરી

હિન્દી ભાષી શખ્સ સોની વેપારીની નજર ચૂકવી સોનાના પેન્ડેન્ટ ભરેલી ડબ્બી સેરવી દુકાન બહાર બાઇક લઇ ઉભેલા સાગરિત પાછળ બેસી રફૂચક્કર

જેતપુર: શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા મતવા શેરી વિસ્તારમાં આવેલી' મહેન્દ્રકુમાર એન્ડ સન્સ' નામની સોના-ચાંદીની પેઢીમાં ગત સાંજના સમયે ગ્રાહક બનીને આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારી યુવકની નજર ચૂકવી રૂ. ૫.૪૦ લાખની માતબર કિંમતના સોનાના પેન્ડેન્ટની ઉઠાંતરી કરી પલાયન થઈ જતાં સમગ્ર સોની બજારમાં ચકચાર મચી જવા પામી છે.

શહેરના ધોરાજી રોડ પર માધવ પાર્કમાં રહેતા યુવાન વેપારી આદિત્યભાઈ તેજસભાઇ હરસોરા (ઉ.વ.૧૯)  ગત સાંજે પોતાની મતવા શેરીમાં આવેલી દુકાને હાજર હતા. સાંજના આશરે પાંચ વાગ્યાના સુમારે તેમના પિતા કોઈ કામ અર્થે બજારમાં ગયા હતા. અને તેઓ દુકાન પર એકલા હતા. તે દરમિયાન માથા પર સફેદ ટોપી અને મોઢા પર કાળા રંગનું માસ્ક પહેરેલો આશરે ૩૦ થી ૪૦ વર્ષનો એક હિન્દી ભાષી શખ્સ દુકાનમાં પ્રવેશ્યો હતો.

આ શખ્સે કાનમાં પહેરવાની કડીઓ ખરીદવાના બહાને આદિત્યભાઈને વાતોમાં પરોવી દીધા હતા. વેપારી યુવક તેને અલગ-અલગ વેરાયટીની કડીઓ બતાવી રહ્યો હતો. તે દરમિયાન આરોપીએ યુવકનું ધ્યાન ભટકાવી કાઉન્ટર પર પડેલી સોનાના પેન્ડલ ભરેલી ડબી હાથચાલાકીથી સેરવી લીધી હતી. યુવક કંઈ સમજે તે પહેલાં જ આરોપી દુકાનની બહાર નીકળી ગયો હતો અને દુકાનથી થોડે દુર મોટરસાયકલ ચાલુ રાખીને ઉભેલા પોતાના સાગરિત પાછળ બેસીને આંખના પલકારામાં ફરાર થઈ ગયો હતો.

યુવકને શંકા જતાં તેણે કાઉન્ટર તપાસ્યું તો પેન્ડલની ડબી ગાયબ હતી. તેણે તુરંત જ પોતાના પિતાને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. ચોરી થયેલ ડબીમાં કુલ ૫૮ જેટલા સોનાના પેન્ડલ હતા, જેનું વજન આશરે ૫૦ ગ્રામ હતું અને તેની કુલ કિંમત રૂ. ૫,૪૦,૦૦૦/- થવા જાય છે.

ઘટના બાદ પિતા-પુત્રએ આરોપીઓને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે તેમણે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધોળે દિવસે બનેલી આ ઘટનાને પગલે શહેરના અન્ય સોની વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.