Gujarat

બિલ્ડીંગમાં પ્રવેશતા અટકાવનાર ગાર્ડ પર હુમલો કરનાર ત્રણની ધરપકડ

By GS Team
31 Jul 20201 min read
This article was originally published on 31 Jul 2020
બિલ્ડીંગમાં પ્રવેશતા અટકાવનાર ગાર્ડ પર હુમલો કરનાર ત્રણની ધરપકડ

સુરત તા. 31 જુલાઇ 2020 શુક્રવાર
માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલા ઉગત-ભેંસાણ રોડ સ્થિત વીર સાવરકર હાઇટ્સના પ્રમુખની સૂચનાનું પાલન કરાવી બહારની વ્યક્તિને પ્રવેશ નહિ આપનાર સિક્યુરીટી ગાર્ડનું માથું ફોડી નાંખનાર 3 મિત્રોની પોલીસે ધરપકડ કરી છે.
કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં લઇ ઉગત-ભેંસાણ રોડ સ્થિત વીર સાવરકર હાઇટ્સના કેમ્પસને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. જેથી વીર સાવરકર હાઇટ્સના પ્રમુખે જે કાર અને ટુ વ્હીલર પર કોમ્પ્લેક્ષના સ્ટીકર હોય તે જ વ્હીકલને પ્રવેશની પરવાનગી આપવા સિક્યુરીટી ગાર્ડને સૂચના આપી હતી. દરમ્યાનમાં બુધવારે રાત્રે મેઇન ગેટ પર સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહેલા વિપુલ દિનેશ પટેલ (ઉ.વ. 27 રહે. સતાધાર સોસાયટી, ઉગત-ભેંસાણ રોડ) અને જીગર રાવલે બાઇક નં. જીજે-05 પીએફ-2669 પર આવનાર ત્રણ યુવાનોને પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ બાઇક સવાર ત્રણેય મિત્રોએ વિપુલ અને જીગર સાથે ઝઘડો કરી વિપુલના માથું ફોડી નાંખ્યું હતું અને ભાગી ગયા હતા. આ ઘટનામાં રાંદેર પોલીસે બાઇકના રજીસ્ટ્રેશન નંબરના આધારે તપાસ હાથ ધરી રાજુ નાથુભાઇ સૂર્યવંશી (ઉ.વ. 23 રહે. એસએમસી આવાસ, સરસ્વતી સ્કુલ નજીક અડાજણ, રોહિત સંતોષ બોડરે (ઉ.વ. 19 રહે. એસએમસી આવાસ, હનીપાર્ક રોડ) અને રવિ કિશન કાપસે (ઉ.વ. 24 રહે. મફત નગર ખુલ્લા મેદાનમાં, લસકાણા) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.