Gujarat

જિલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિત વિસ્તારો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા

By GS Team
26 Jun 20202 mins read
This article was originally published on 26 Jun 2020
જિલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિત વિસ્તારો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા

સુરેન્દ્રનગર, તા.25 જૂન 2020, ગુરુવાર

સમગ્ર ગુજરાત તેમજ દેશના કેટલાક વિસ્તારોમાં કોરોના વાયરસના કેસો તપાસ દરમ્યાન બહાર આવી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાયરસની મહામારીને નિયંત્રીત કરવા માટે લોકડાઉનનો સમયગાળો વધારવા નિર્ણય કરવામાં આવેલ છે. જે બાબતે સરકારના ગૃહ વિભાગ દ્વારા જરૂરી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

જે મુજબ જિલ્લાના દસાડા તાલુકાના કોચાડા અને નગવાડા ગામ તથા વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં લોકોની સુરક્ષાને તકેદારીના ભાગરૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ કે.રાજેશ દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જેમાં કોચાડા ગામનાં દલિતવાસના પાંચ ઘરો અને નગવાડા ગામનાં ઠાકોરવાસના સાત ઘરો તથા વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામે મેઈન રોડ વિસ્તારના ચાર ઘરોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. 

આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે આ વિસ્તારનાં રહીશોને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ પણ તંત્ર દ્વારા હોમ ડિલેવરીથી ઘરે પુરૂ પાડવામાં આવશે તેમજ આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે અને મુખ્યમાર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે.

આ ઉપરાંત કન્ટેઈનમેન્ટ એરીયાની બે કિલોમીટર ત્રીજીયામાં સમાવિષ્ટ દસાડા તાલુકાના કોચાડા ગામના બાકીના વિસ્તરનાં ૩૪૧ ઘરો અને નગવાડા ગામનાં બાકીના વિસ્તારનાં ૫૪૬ ઘરો તથા વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામના ૪૪૨ ઘરોની વસ્તીના વિસ્તારને બફર ઝોન જાહેર કરી આ ગામોની હદને સીલ કરવામાં આવી છે અને અવર-જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે જ્યારે આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ કલાક સુધી મુક્તી આપવામાં આવી છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર પાલિકાના રતનપરમાં આવેલ વાલ્મીકી નગર શેરી નં.૧, વઢવાણ પાલિકાના ૮૦ ફુટ રોડ પર સલીમાનગર સોસાયટી, પાટડી નગરપાલિકાની અંબિકા નગર સોસાયટી, લીંબડી નગરપાલિકાના ખારાવાસ, ગ્રીનચોક સહિતના વિસ્તારોમાં પણ કન્ટેઈનમેન્ટ અને બફરઝોન જાહેર કરવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૧૦૯ જેટલા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા બાદ તંત્ર સાવચેત બન્યું હતું અને કોરોના પોઝીટીવ વિસ્તારોમાં જઈ કન્ટેઈનમેન્ટ ઝોન, બફર ઝોન જાહેર કર્યા હતાં.